ક્રોયડનઃ ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા ૩૬મા વાર્ષિક વીગન ક્રિસમસ લંચનુ રવિવાર તા.૧૧ ડિસેમ્બરે આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત સ્થાનિક ચર્ચ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્કૂલટીચર્સ સહિત લગભગ ૧૧૦ લોકોએ લિજ્જતદાર વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. કાઉન્સિલના વડા ટોની ન્યુમેન, સ્ટીવ રીડ MP અને કાઉન્સિલરો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. ટોની ન્યૂમેન અને સ્ટીવ રીડે કહ્યું હતું કે ક્રોયડનની ભારતીય કોમ્યુનિટી તમામ સમુદાયોમાં મિત્રતાના પ્રસારમાં ભૂમિકા ભજવે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
સેન્ટરના સ્થાપક નીતિન મહેતાએ જણાવ્યું હતું કે સહભોજનથી મૈત્રી અને પરસ્પર સમજણ વધારવાના હેતુથી ૩૫ વર્ષ અગાઉ આ કાર્યક્રમ શરૂ કરાયો હતો. બીજો હેતુ અંગ્રેજ મિત્રોને ભારતીય શાકાહારી ભોજનનો રસાસ્વાદ કરાવવાનો હતો. મહેતાએ જણાવ્યું હતું કે કોમ્યુનિટીઓ વચ્ચે આદાનપ્રદાન ન હોય તો નકારાત્મકતા અને પૂર્વગ્રહો વધે છે. તેમણે તમામ ભારતીય સંસ્થાઓ અને મંદિરોને દર વર્ષે આવો કાર્યક્રમ યોજવા અનુરોધ કર્યો હતો.
સાત વર્ષીય યોગનિષ્ણાત ઈશ્વર શર્માએ મહેમાનો સમક્ષ વિવિધ યોગમુદ્રાનું નિદર્શન કર્યું હતું. તેના પિતા ડો. વિશ્વનાથને યોગના લાભો સમજાવ્યા હતા.
ફોટોલાઈનઃ ડાબેથી- વિનયભાઈ કુંટાવાલા, લીલાબહેન જેઠવા, પ્રતિભાબહેન જેઠવા, પ્રતિભા મહેતા અને નીતિન મહેતા