આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બિઝનેસ સેક્રેટરી મેથ્યુ હેનકોક ઉપરાંત, લોર્ડ ડોલર પોપટ, સાંસદો પ્રીતિ પટેલ અને શૈલેષ વારા, નાયબ વડાપ્રધાન નિક ક્લેગના પ્રતિનિધિ અને હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબ ડેમ પાર્ટીના નેતા લોર્ડ નવનીત ધોળકિયા સહિતના મહેમાનોનો સમાવેશ થયો હતો. સમારંભના મુખ્ય સ્પોન્સર તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ તેમની મહિલા ટીમ સાથે તેમ જ અન્ય ચાવીરુપ સ્પોન્સર જેગુઆર લેન્ડ રોવર (JLR)ના અગ્રણી મહિલા નેતાઓ- ઈજનેરો અને વિવિધ વિભાગીય વડાઓ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
કેનપે અને શેમ્પેન સાથે મહેમાનોના મેળમિલાપના દોર સાથે સાંજનાં આરંભ પછી રાગાસન દ્વારા ડિનર પીરસાયું હતું. IJAના પ્રેસિડેન્ટ અદિતિ ખન્નાએ સાંજની થીમનો પરિચય આપ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસમાં પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ શૈલેષ વારાએ કહ્યું હતું કે, ‘કોમ્યુનિકેશનના વર્તમાન યુગમાં આ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ છતાં આપણા દેશના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, રાજકારણી, રાષ્ટ્રનેતાઓ અને દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોને લાખો લોકો વાંચે તે રીતે તેમના સુધી પહોંચાડવાનું કાર્ય તમે પત્રકારો જ કરો છો, હું આ કાર્યને વધાવી લઉ છું. ભારતના લોકોને લોકશાહી અધિકારનો ઉપયોગ કરતા જોવાં તે આનંદ હતો. આપણે પણ આગામી ચૂંટણીઓમાં ભારત પાસેથી શીખી શકીએ.’
નાણા મંત્રાલયમાં સેક્રેટરી અને ચાવીરુપ સાંસદ વક્તા પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, ‘ રાજકારણ બદલાઈ રહ્યું છે, રોજબરોજના મુદ્દાઓ અને આપણે તેને કેવો પ્રતિસાદ આપીએ છે તે મુખ્ય છે. મારા માટે તો તે સ્વતંત્રતાનો વિષય છે. કાર્ય કરવાની સ્વતંત્રતા, સશક્તિકરણની વાત છે-JLRને અહીં નિહાળવાનો આનંદ છે, સ્ત્રીઓ અભૂતપૂર્વ રીતે શ્રેષ્ઠતા દર્શાવે તે હું જોઉં છું. સ્ત્રીઓ સાયન્સ અને ઈજનેરી ક્ષેત્રોમાં આર્થિક રીકવરીમાં પ્રદાન આપી રહી છે. આ ક્ષેત્રોએ મુશ્કેલ વર્ષોમાં આપણા અર્થતંત્રને બદલવામાં મદદ કરી છે.’
‘આપણે ઓગસ્ટમાં સ્વાતંત્ર્યદિને વડા પ્રધાન મોદીના વક્તવ્યને જોઈએ તો તેમણે શાંત, એકસંપ, કૌશલ્યપૂર્ણ, સ્વચ્છ અને સમૃદ્ધ અને સૌથી મહત્ત્વપૂર્ણ તો એવું રાષ્ટ્ર જ્યાં સ્ત્રીઓ સુરક્ષિત અને સન્માનીય હોય તેવા રાષ્ટ્રની પરિકલ્પના સ્થાપિત કરી છે. આ હાંસલ કરવું તેની અગત્ય છે અને આપણાં એકતાપૂર્ણ સંબંધોથી તે હાંસલ કરી શકાશે.’
સ્ત્રીઓ વિરુદ્ધ હિંસા અટકાવના ક્ષેત્રે શેડો મિનિસ્ટર સીમા મલ્હોત્રાએ ગત વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સ્ત્રીઓ વિરુદ્ધ હિંસાની સંખ્યાબંધ ઘટનાઓ વિશે જણાવી કહ્યું હતું કે, ‘ મારાં માનવા પ્રમાણે આપણે સાથે મળીને સમગ્ર વિશ્વમાં આનો સામનો કરવો પડશે. IJAના સભ્યો તરીકે તમારી ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહેશે.’
બેરોનેસ ઝાહિદા મંઝૂરે કહ્યું હતું કે, ‘પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ગરીબી, માનસિક આરોગ્ય સમસ્યાઓ અને લિંગભેદ આધારિત હિંસાથી વધુ પીડાય છે. ૩૦ લાખ સ્ત્રીઓ અને છોકરીઓ બળાત્કાર, ઘરેલુ અને અન્ય હિંસાનો શિકાર બને છે. તમે તો પત્રકાર છો તેથી વધુ એક હકીકત એ જણાવું છું કે રાષ્ટ્રીય સ્તરે અખબારોમાં માત્ર ૨૩ ટકા રિપોર્ટર્સ સ્ત્રીઓ છે, જ્યારે રાષ્ટ્રીય દૈનિક અખબારના એડિટરપદે તો કોઈ મહિલા નથી.’
ભારતીય હાઈ કમિશનર રંજન મથાઈએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘IJAમાં સ્ત્રીઓની મોટી સંખ્યા જ ઘરઆંગણે અવરોધોને તોડવામાં તેમની મોટી સફળતાનું પ્રતિબિંબ દર્શાવે છે. સ્ત્રીઓએ પરિવર્તન માટે મત આપ્યો હતો અને વડા પ્રધાન મોદી પણ આ જ સંદેશાની હિમાયત કરે છે. બળજબરી લગ્ન અને ઘરેલુ હિંસા સંબંધે ભારતે સ્ત્રીઓનાં સશક્તિકરણ માટે કાયદા અમલી બનાવ્યાં છે અને આપણે તળિયાના સ્તરે અમલની પણ વાત કરીએ છીએ. ભારતના વિવિધ વિસ્તારોની મહિલાઓ આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. મેરી કોમ બોક્સર છે અને બળજબરી લગ્નનો વિચાર કરનારાએ તેની સાથે આવો પ્રયાસ કરવો જોઈએ, તો તેને ખબર પડી જાય.’
બિઝનેસ સેક્રેટરી મેથ્યુ હેનકોકે જણાવ્યું હતું કે,‘ હું સ્વ-પ્રતિજ્ઞાબદ્ધ નારીવાદી છું. હું ભારતપ્રેમી છું, બ્રિટન અને ભારત વચ્ચે ભૂતકાળ અને ભવિષ્યના સંબંધો મહાન રહ્યા છે. મને સહિષ્ણુતા ગમે છે. યુકે અને ભારતમાં સ્ત્રી વડા પ્રધાન થયાં છે, પરંતું મારો ભારતપ્રેમ અર્થશાસ્ત્ર અને વેપારથી પણ ઊંચો છે, તે માનવજાતના ભવિષ્યનો હિસ્સો બનવા વિશે છે અને મને ડાયસ્પોરા વિશે ગૌરવ છે. સદીઓથી આપણે સ્કોટિશ અને બ્રિટિશ, ઈંગ્લિશ અને બ્રિટિશ ઈત્યાદિ ઓળખો ધરાવતો દેશ રહ્યા છીએ. અંતમાં હું આ મતને પડકારી એમ કહેવા ઈચ્છું છું કે આપણે બધાં સાથે મળીને મહાન છીએ. પરંતુ બ્રિટનમાં કોઈ ઈમિગ્રેશન થવું ન જોઈએ તેમ કહેવું અથવા આ દેશને ઈમિગ્રેશનથી વ્યાપક લાભ નથી મળ્યાં છે તેમ કહેવું તે રાષ્ટ્રપ્રેમ નથી.’
આ પછી, ‘ભાજી ઓન દ બીચ’ ના ૨૫ વર્ષ પછી સાથે આવેલાં અભિનેત્રી મીરા સ્યાલ અને ડિરેક્ટર ગુરિન્દર ચઢાનો વિશેષ ઈન્ટરવ્યૂ ટાઈમ્સના રિપોર્ટર અને લેખક સથનામ સાંઘેરા દ્વારા લેવાયો હતો.
IJAના સેક્રેટરી રુપાંજના દત્તાના આભાર પ્રસ્તાવ પછી એશ મુખરજીએ સુંદર નૃત્ય રજૂ કર્યું હતું. તેમણે ભારતીય શાસ્ત્રીય મંદિર નૃત્ય દ્વારા રેવલની પ્રસિદ્ધ સંગીતરચના અને માઈકલ જેક્સનના પ્રતિમાત્મક ગીત ‘મેન ઈન ધ મિરર’નું અર્થઘટન દર્શાવ્યું હતું. કોલકાતામાં જન્મેલાં એસ મુખરજીએ ભરતનાટ્યમની તાલીમ ગુરુ શ્રીમતી થાંકામણી કુટ્ટી પાસેથી તેમ જ ક્લાસિકલ બેલેની તાલીમ લેડી લંડનડેરી મિસ ડોરીન વેલ્સ પાસેથી મેળવી છે. એશ ક્રિટિક્સ સર્કલ નેશનલ ડાન્સ એવોર્ડ યુકે એનાયત કરાયો હોય તેવા પ્રથમ ભારતીય નાગરિક છે.
તસવીર સૌજન્યઃ રાજ બકરાણીઆ, પ્રમીડિયાપિક્સ