રોચડેલઃ લેંકેશાયરમાં ગત જાન્યુઆરીમાં M61 પર ત્રણ વાહનો વચ્ચે જીવલેણ અકસ્માતમાં પોતાની ત્રણ વર્ષની કઝીન આઈમાને બચાવવા જતાં રોચડેલની ૧૧ વર્ષીય કિશોરી ઈમાન ઝૈનાબ જાવેદનું મૃત્યુ થયું હતું. તેના પિતા જાવેદ ઈકબાલ હજુ પણ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. અકસ્માત અગાઉ ઈમાનના અંતિમ નિઃસ્વાર્થ કૃત્યની વિગતો તેના પરિવારે નિવેદનમાં જાહેર કરી છે.
નિવેદનમાં જણાવાયું છે કે પરિવારમાં જોડિયા ભાઈ રેહાન અને અન્ય ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની ઈમાન સુંદર, ખૂશમિજાજી, જિજ્ઞાસુ અને ક્યારેક ટીખળ કરતી કિશોરી હતી. તેને રસોઈનો ખૂબ શોખ હતો અને સિલાઈકળા પણ શીખવા માગતી હતી. GCSEની તૈયારી કરતી ઈમાન મેડિસીનમાં અભ્યાસ કરવા માગતી હતી. તેને શોપિંગ કરવું ગમતું અને બર્થ ડે, બેબી શાવર અથવા લગ્ન પ્રસંગની ગિફ્ટ્સ માટે સારી વસ્તુઓ પસંદ કરતી હતી.
ઈમાનને ખાસ કરીને હૃદયની ગંભીર બીમારીથી પીડાતી ત્રણ વર્ષની પિતરાઈ બહેન આઈમા વસીમ પર ખૂબ લગાવ હતો. આ દુનિયામાં ઈમાન તેના અંતિમ કાર્યમાં આઈમાને વાહનોની વચ્ચેથી સલામતીપૂર્વક બહાર લાવી હતી. તેની માતા ખાલિદા પણ ઈમાનને ઈશ્વરની દુઆ ગણાવે છે.
પરિવારે ઈમાન અને તેના પિતાની સારવાર બદલ રોયલ પ્રેસ્ટન હોસ્પિટલ અને વીધનશો હોસ્પિટલનો આભાર માન્યો હતો.