લંડનઃ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને બ્રિટનમાં છૂપી રીતે રહેવામાં મદદના કૌભાંડમાં પકડાયેલા બાંગલાદેશી દંપતીને જેલની સજા ફરમાવાઈ છે. લેન્કેશાયરના બર્નલીમાં ઘરના માળિયામાં ગેરકાયદે બાંગલાદેશી માઈગ્રન્ટ મળી આવ્યા પછી ધરપકડ કરાયેલા શોહિદૂલ ઈસ્લામ (૪૧)ને સાડા પાંચ વર્ષ અને તેમના પત્ની અનવારા (૩૯)ને બે વર્ષ ત્રણ મહિનાની સજા થઈ છે. દંપતી સાથે સાંઠગાંઠ ધરાવતા અને ૧૨ બાંગલાદેશીને સ્પોન્સર કરનારા રેસ્ટોરાંમાલિક અબ્દુલ શાહીદ (૪૭)ને ૩૦ મહિનાની જેલની સજા કરાઈ છે.
ઈસ્લામના ઘરમાંથી બનાવટી બાંગલાદેશી પાસપોર્ટ્સ અને નેશનલ ઈન્સ્યુરન્સ કાર્ડ્સ પણ મળી આવ્યા હતા. દંપતીએ દલીલ કરી હતી કે તેઓ માનવતાના ધોરણે મદદ કરતા હતા. આ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સના બધા બેનિફિટ્સની રકમ દંપતી રાખી લેતા હતા.