લંડનઃ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનની ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ ડો. જ્હોન જેરિમના સંશોધન અનુસાર ઈમિગ્રેશનના કારણે બ્રિટનની વસ્તીમાં નબળાં ગણિત કૌશલ્ય સાથેના ૨.૫ મિલિયન લોકો ઉમેરાયાં છે. બીજી તરફ, આંકડાકીય પ્રતિભા ધરાવતાં આશરે ૭૦૦,૦૦૦ લોકો યુકે છોડી ગયાં છે.
ડો. જેરિમે ૧૯૬૪થી ૨૦૧૧ના ગાળામાં યુકે છોડી ગયેલાં લોકોની લાયકાત અને સ્કીલ્સનું વિશ્લેષણ કરી તેની સરખામણી ઈમિગ્રન્ટ્સ અને બ્રિટનમાં રહેલાં લોકો સાથે કરી હતી. આ ૫૦ વર્ષના ગાળામાં કેટલાંક ઈમિગ્રન્ટ્સ ગાણિતિક સિદ્ધાંતોમાં સારી પ્રતિભા ધરાવતાં હોવાં છતાં ગણિતમાં નબળાં લોકોની સરખામણીએ તેમનું પ્રમાણ ઘણું ઓછું છે. ઈમિગ્રેશનથી ઓછી કુશળતા સાથેના વર્કરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ડો. જેરિમે ૨૪ દેશમાં ૧૬૬,૦૦૦ પુખ્ત લોકોને તપાસનારા ઓર્ગેનિઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના ડેટા પર આધાર રાખ્યો છે. દર વર્ષે ૩૦૦,૦૦૦થી વધુ લોકો બ્રિટન છોડી મુખ્યત્વે યુએસએ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં નવું જીવન જીવવાં જાય છે. તેમની જગ્યાએ આશરે ૪૫૦,૦૦૦ ઈમિગ્રન્ટ્સ આવે છે. આ દેશોમાં જનારાં બ્રિટિશરોને ૨૦૧૧માં સરેરાશ માસિક વેતન $૪,૦૦૦ (£૨,૫૭૮) મળતું હતું, જ્યારે દેશમાં જ રહેલાં બ્રિટિશરોનું સરેરાશ માસિક વેતન $૩,૨૦૦ (£૨,૦૬૨) હતું. જોકે, યુએસએ અને કેનેડામાં કામના સરેરાશ ૫૫ કલાકની સામે બ્રિટનમાં કામના સરેરાશ ૪૪ કલાક છે.