ઈમિગ્રેશને પણ બ્રિટનને મહાનતા બક્ષી છેઃ લોર્ડ ગઢિયા

Thursday 03rd November 2016 06:44 EDT
 
 

લંડનઃ ભારતીય અને ગુજરાતી મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ ફ્રી ટ્રેડ વિષય પરની ચર્ચામાં ૨૭ ઓક્ટોબરે પોતાનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ ગૃહમાં આવ્યા તેને થોડો જ સમય થયો છે છતાં, વર્ષો વીતી ગયા હોય તેમ લાગે છે. પાર્લામેન્ટના આ ગૃહે મને ઉષ્માપૂર્વક આવકાર આપ્યો છે. તેમણે પોતાના પ્રવચનમાં ગુજરાતી પ્રજાના લોહીમાં વહેતા વેપારની લાક્ષણિકતા, યુગાન્ડાથી બ્રિટનમાં આગમન, બ્રિટન માટે ઈમિગ્રન્ટ્સનું મહત્ત્વ, વડા પ્રધાન થેરેસા મેની આગામી ભારત મુલાકાત, ઉભરતાં બજારો અને ફાઈનાન્સિયલ સર્વિસીસનું મહત્ત્વ, વૈશ્વિક વેપારનું ઉદારીકરણ અને નિઃસ્વાર્થ સેવા અને યોગ્ય આચરણની વેદિક પરંપરા સહિતના મુદ્દાઓ આવરી લીધા હતા. તેમણે બ્રિટિશ સ્વપ્નને નિયતિ બનાવવાની પણ હિમાયત કરી હતી.

તેમણે પ્રવચનના આરંભે જ કહ્યું હતું કે, ‘ગ્લોબલ ફ્રી ટ્રેડ તેમજ સામાજિક ગતિશીલતાના બન્ને વિષયો આ સુધી મારી ખુદની યાત્રાને સ્પર્શે છે. હું મારા પરિવારમાં ભારત બહાર જન્મેલી પ્રથમ પેઢીનો છું. મારા દાદાએ ભારતના ગુજરાત રાજ્યમાંથી હિન્દ મહાસાગર પાર કરીને ૩,૦૦૦ માઈલ દૂર યુગાન્ડા જવાનો હિંમતભર્યો નિર્ણય લીધો હતો. યુગાન્ડામાં મારો જન્મ થયો હતો. ગુજરાતી પ્રજા વેપારી કોમ્યુનિટી તરીકે, તેમની ઉદ્યોગસાહસિકતા અને ઈશ્વરથી ડરનારી નમ્ર પ્રજા તરીકે જાણીતી છે. અમે નવા દેશો, બિઝનેસીસ અથવા વ્યવસાયોમાં પોતાને પ્રસ્થાપિત કરનારા પ્રણેતા તરીકે પણ ઓળખાઈએ છીએ. આ દેશમાં ૧.૫ મિલિયન બ્રિટિશ ભારતીય બહુમતીના પ્રતિનિધિ પણ છીએ. હું માનું છું કે આપણે બાકીના વિશ્વ સાથે નવા વેપારી સંબંધો બાંધી રહ્યા છીએ ત્યારે વિશ્વની સાથે સંકળાયેલા સમુદાયોનું મૂલ્ય વધી જાય છે.

તેમણે કહ્યું હતું કે,‘નિયતિએ વળાંક લીધો ન હોત તો હું આજે પણ યુગાન્ડામાં હોત. પરંતુ જુલ્મગાર ઈદી અમીન કાંઈક જુદુ જ વિચારતો હતો. તેણે ૧૯૭૨માં ૬૦,૦૦૦ એશિયનોને દેશ છોડી જવાની નોટિસ આપી. અમારે રાતોરાત બધું જ છોડી ભાગી નીકળવાની ફરજ પડી હતી. યુકેના તત્કાલીન વડા પ્રધાન એડવર્ડ હીથે મારા ૩૦,૦૦૦ સાથી દેશબંધુઓને સુરક્ષિત આશ્રય આપવાની નૈતિક અને કાનૂની જવાબદારી નિભાવી અને અમે નવેસરથી શરૂઆત કરી. અહીં આવેલા અમારામાંથી ઘણા માટે આ ત્રીજો દેશ હતો. એક જૂથ તરીકે માઈગ્રન્ટ્સ પોતાનું જીવન સુધારવા બીજા સ્થળે જવા તૈયાર જ રહે છે. તેઓ સતત પ્રેરિત હોય છે અને એક કરતા વધુ વખત માઈગ્રન્ટ બનવાની ફરજ પડી હોય તેઓ વધુ જોશથી કામ કરે છે.’

તેમણે ગૃહને યાદ અપાવ્યું હતું કે લોર્ડ પોપટ અને શૈલેષ વારાએ પાર્લામેન્ટના ગૃહોમાં ૬ ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે મહત્ત્વપૂર્ણ ચર્ચામાં યુગાન્ડાની એશિયન કોમ્યુનિટી અને બ્રિટનમાં તેમના પ્રદાન વિશે મનનીય પ્રવચનો આપ્યા હતા.

ઈમિગ્રેશને બ્રિટનને મહાન બનાવ્યું

લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે,‘ઈયુ રેફરન્ડમ પછી ઈમિગ્રેશન ભારે લાગણીપૂર્ણ વિષય બની ગયો છે. પરંતુ, આપણે એક વાત ભૂલવી ન જોઈએ કે બ્રિટનને મહાન બનાવનારી બાબતોમાં એક ઈમિગ્રેશન પણ છે. બ્રિટન મૂલતઃ ખુલ્લો, સહિષ્ણુ અને આવકાર આપનારો દેશ છે. આપણે વેપાર, કૌશલ્ય અને મિત્રો માટે દુનિયામાં નજર દોડાવીએ છીએ. આપણે દુનિયા માટે આંખો બંધ કરીને બેસનાર નાનો દેશ નથી-આપણો અભિગમ કદી આવો રહ્યો નથી અને રહેવો પણ ન જોઈએ. આથી, હું ગૌરવ સાથે ઈમિગ્રન્ટ્નો બિલ્લો પહેરું છું. લોકો આપણને ‘તકની ભૂમિ’ તરીકે નિહાળતાં હોવાથી કોઈક સ્થળે નવા જીવનનો આરંભ અને પરિવાર માટે સારા અને સલામત ભાવિના નિર્માણના હેતુસર આ દેશમાં આવવા ઈચ્છે છે. મારા પેરન્ટ્સે લાંબા કલાકો મહેનત કરી અને બલિદાનો આપ્યા, જેથી તેમના બાળકો સારા ભાવિનો આનંદ ઉઠાવી શકે. હું આજે અહીં એટલા માટે ઉભો રહી શક્યો છું કારણકે બ્રિટને મને આવી તકો ઓફર કરી હતી અને મેં બે હાથે તેને ઝડપી લીધી. નસીબ પણ શ્રેષ્ઠ બ્રિટિશ શિક્ષણના સ્વરૂપે મારી તરફે હતું. ગત ૨૫ વર્ષમાં અનેક મુખ્ય ગ્લોબલ ફાઈનાન્સિયલ સંસ્થાઓમાં કામગીરી કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. હું ઉપરતળે થતાં રોલરકોસ્ટરમાં અસ્તિત્વ જાળવી શક્યો અને કેટલાક પાઠ પણ શીખ્યો.

ઉભરતાં બજારો સાથે સંકળાવાની હિમાયત

લોર્ડ ગઢિયાએ ઇભરતા બજારો સાથે સંકળાવાની તરફેણ કરતા કહ્યું હતું કે,‘મેં ક્રોસ બોર્ડર મર્જર અને એક્વિઝિશન્સ, મૂડી ઉભી કરવા અને રોકાણો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉભરતાં બજારોને પાશ્ચાત્ય અર્થતંત્રો સાથે અવારનવાર સાંકળવાની સાથોસાથ મેં યુકે અને ભારત વચ્ચે સ્ટીલથી ફાર્માસ્યુટિકલ્સ સુધીના કેટલાક સૌથી મોટા રોકાણપ્રવાહોમાં આગળ વધી એક સંપૂર્ણ વર્તુળ દોર્યું છું. આ અનુભવે મને, જેમણે મારા માનવા અનુસાર તેમના હોદ્દા પરની કોઈ વ્યક્તિ કરતા ભારત સાથે આધુનિક ભાગીદારીના નિર્માણ અને બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા સાથે સંબંધોમાં સૌથી વધુ સક્રિયતા દર્શાવી છે તેવા પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે નિકટતાથી કાર્ય કરવા પ્રેર્યો હતો. મને કહેતા આનંદ થાય છે કે આપણા નવા વડા પ્રધાન થેરેસા મે આ મજબૂત વારસાને આગળ વધારી રહ્યાં છે. મારા સાથી ગુજરાતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપી દરિયાપારની તેમની સર્વપ્રથમ સત્તાવાર અને મહત્ત્વપૂર્ણ ભારત મુલાકાતમાં તેમની સાથે રહેવાનું સદ્ભાગ્ય મને સાંપડશે તેનું પણ મને ગૌરવ છે.

ફાઈનાન્સિયલ સર્વિસીસનું મહત્ત્વ

મારી ફાઈનાન્સિયલ અને પ્રોફેશનલ સર્વિસીસની પશ્ચાદભૂનું પણ ગૌરવ છે. એ આપણું મુખ્ય એક્સપોર્ટ સેક્ટર છે, જે £૭૨ બિલિયનનું સંયુક્ત વેપાર સરપ્લસ સર્જે છે અને આવશ્યક પબ્લિક સેવાઓ માટે નાણા આપતી ટેક્સ રેવન્યુમાં £૬૬ બિલિયનનો ફાળો તેમજ ૨.૨ બિલિયન નોકરીઓ આપે છે, જેમાંથી બે તૃતીઆંશ નોકરી લંડનની બહાર છે. આપણે દાયકાઓની મહેનતથી આ સિદ્ધિ હાંસલ કરી છે અને ઈમિગ્રેશનના ગેરમાર્ગે દોરનારા ભયથી તે ગુમાવવી ન જોઈએ. સિટી ઓફ લંડન સામાજિક ગતિશીલતાના મહાન ચાલકબળોમાંનું એક છે કારણકે તેના મૂળિયાનો આધાર ગુણવત્તા જ છે. આથી, જેમાં આપણે કુદરતી સ્પર્ધાત્મક લાભ ધરાવીએ છીએ, જે જાહેર સેવાઓ માટે ભંડોળ આપતી નોંધપાત્ર ટેક્સ રેવન્યુનું સર્જન કરે છે અને અસંખ્ય લોકો માટે આશા અને અપેક્ષા છે તેવા સેક્ટરનું બલિદાન આપવું તે ભારે હાસ્યાસ્પદ વિડંબના બની રહેશે.’

વેપારના વૈશ્વિક ઉદારીકરણની હિમાયત

લોર્ડ ગઢિયાએ કહ્યું હતું કે સેવા કે સામાન વેચવાના હોય બ્રિટન પ્રથમ, આખરી અને હંમેશાં માટે વેપારી રાષ્ટ્ર છે. ૨૦૦૩માં બ્રિટિશ જીડીપીના હિસ્સા તરીકે કુલ વેપાર ૫૦ ટકાથી થોડો વધુ હતો જે આજે ૬૦ ટકા થયો છે પરંતુ, જર્મની માટે તે ૯૦ ટકા છે. આપણે તેને લાંબા ગાળાનું લક્ષ્ય બનાવવું જોઈએ. રાજકોષીય નીતિ અંકુશિત હોય અને નાણાનીતિની કાર્યક્ષમતાનો સમૂળો ઉપયોગ થઈ જ ચૂક્યો હોય ત્યારે વેપારનું ઉદારીકરણ સમગ્ર વિશ્વમાં આર્થિક વૃદ્ધિની ગર્ભિત ક્ષમતાને ઉત્તેજિત કરનારું નીતિ પરિબળ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે,‘આપણે કેટલાક નક્કર પગલાં સાથે વેપારી સોદાઓની કતારમાં મોખરે આવી શકીએ છીએ. જો આપણે વાસ્તવમાં વેપારી સોદા કરી ન શકતા હોઈએ તો પણ પર સમજૂતી કરતા આપણને કોઈ અટકાવી શકતું નથી. હું તો ઈયુ નેતાઓને પણ એમ કહીશ કે વેપારનું ઉદારીકરણ રચનાત્મક ગેઈમ છે. તમે કદાય ઈયુ છોડવા બદલ બ્રિટનને પાઠ ભણાવવા ઈચ્છતા હશો પરંતુ, રક્ષણવાદી બની રહીને તમારા સ્વહિતો પર કુહાડો ન મારશો.’

નિઃસ્વાર્થ સેવા અને યોગ્ય આચરણની વેદિક પરંપરા

લોર્ડ ગઢિયાએ તેમને સતત માર્ગદર્શન આપનારા મિત્રો લોર્ડ પોપટ, લોર્ડ ફિન્ક, લોર્ડ બોરવિક, લોર્ડ ગેડ્ડેસ અને લોર્ડ લેઈઘ ઓફ હર્લ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રવચનના સમાપનમાં તેમણે કહ્યું હતું કે આ હાઉસમાં સ્થાન તેમજ આ મહાન દેશની સેવા કરવાની તક મળવા બદલ તેઓ ભારે ગૌરવ અનુભવે છે. એક હિન્દુ તરીકે, નિઃસ્વાર્થ સેવાકાર્યનો ધર્મ એટલે કે યોગ્ય આચરણ સાથે સમન્વય ઉમદા વેદિક પરંપરાઓમાં સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું હતું કે,‘હું ખરેખર માનું છું કે જો આપણેગ્લોબલ ફ્રી ટ્રેડને અપનાવવા અને નવી પ્રતિભાઓને આવકારતા નિખાલસ, બહાર તરફ ધ્યાન આપતા દેશ હોવાના સંપૂર્ણ લાભ હાંસલ કરી શકીએ તો આપણું ભવિષ્ય અતિ ઉજળું છે. આપણે સાથે મળીને આ સ્વપ્ન-બ્રિટિશ સ્વપ્નને આપણી નિયતિ બનાવીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter