લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીને દાન આપનારા દાતાઓ, બિઝનેસ અગ્રણીઓ અને વરિષ્ઠ રાજકારણીઓ પણ બ્રિટન ઈયુનું સભ્યપદ છોડે તેવા અભિયાનને સમર્થન આપી રહ્યા છે. યુરોપિયન યુનિયનમાં રહેવા કે બહાર નીકળવા મુદ્દે ૨૦૧૭ની આખરમાં રેફરન્ડમ લેવાનાર છે ત્યારે યુકેના અતિ સફળ અને અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર્સ દ્વારા બધા રાજકીય પક્ષોના દાતાઓ, સાંસદો અને ઉમરાવોના સમર્થન સાથે ‘વોટ લીવ’ અભિયાન છેડાયું છે. ICM ના નવા મતદાનમાં જણાયું છે કે બ્રિટનમાં ઈયુ કાયદાઓનું વર્ચસ્વ સમાપ્ત થાય તેવી સોદાબાજીમાં વડા પ્રધાન ડેવિડ કેમરન નિષ્ફળ રહે તેવા સંજોગોમાં ૫૩ ટકા મતદારો ઈયુ છોડવાના અભિયાનને ટેકો આપી શકે છે.
બ્રિટનની કેટલીક જાણીતી કંપનીઓના સંસ્થાપકો સહિતના આ જૂથને ઈયુની લાલ ફીતાશાહીથી ઉદ્યોગધંધાને થતાં નુકસાનની ચિંતા છે. વિશ્વમાં પરિવર્તન લાવી રહેલાં ટેકનોલોજિકલ અને આર્થિક પ્રવાહોના સમયમાં બ્રિટિશ ઉદ્યોગધંધા પાછળ રહી જવાનો તેમને ભય છે. વડા પ્રધાન કેમરન બ્રિટન માટે બ્રસેલ્સ પાસેથી નોંધપાત્ર સત્તા પાછી લેવામાં નિષ્ફળ જશે તેવી ચિંતાઓ મધ્યે જૂથે બ્રિટન ઈયુ છોડે તેવી ભૂમિકા તૈયાર કરવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે બ્રિટન ૨૦૧૭ની આખરમાં લેવાનારાં રેફરન્ડમમાં ઈયુ છોડવાની તરફેણમાં મતદાન કરશે તો મુક્ત વ્યાપાર સોદાઓના આધારે ઈયુ સાથે નવા મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવી શકશે.
રીબોકના સ્થાપક જો ફોસ્ટર કહે છે કે,‘આપણે દર વર્ષે બિલિયન્સ પાઉન્ડ ઈયુને મોકલ્યાં છે તેના બદલામાં આપણને ગણું ઓછું મળે છે. આથી જ, ઘણા બિઝનેસ અગ્રણીઓએ ઈયુ છોડવાના અભિયાનને ટેકો આપવા નિર્ણય લીધો છે.’ ટોરી સાંસદ અને વોટ લીવના અગ્રણી સભ્ય સ્ટીવ બેકરે કહ્યું હતું કે,‘જો ઈયુ વડા પ્રધાનને મૂળભૂત ફેરફારો ઓફર ન કરે તેવાં સંજોગોમાં ઈયુ છોડવા માટે રેફરન્ડ્મની લડત ચલાવવાના ક્રોસ પાર્ટી અભિયાનને અમારો ટેકો છે.’ નવા ગ્રૂપ દ્વારા ટોરી પાર્ટીના પૂર્વ સહ-ખજાનચી, ડોનર અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ઉદ્યોગસાહસિક પીટર કૃડ્ડાસ, ટેલિવિઝન શોપિંગ જાયન્ટ JMLના વડા અને લેબર પાર્ટીના ડોનર જ્હોન મિલ્સ તેમ જ સ્પ્રેડ-બેટિંગના પ્રણેતા અને Ukip ના પૂર્વ ખજાનચી અને દાતા સ્ટુઅર્ટ વ્હીલરની ત્રણ ખજાનચી તરીકે જાહેરાત કરાઈ છે. ઈયુમાં રહેવાના સમર્થકો નવા કહેવાતા ‘Brexit’ અભિગમથી ચિંતામાં આવી શકે છે કારણકે ઈયુ છોડવાથી યુકેના અર્થતંત્રને નુકસાન થવાના તેમના દાવાનો છેદ ઉડી શકે છે.