કિથ વાઝે જણાવ્યું હતું કે, ‘યુકે અને ભારતના બિઝનેસીસ વચ્ચે અનેક સમસ્યાઓ ઉભી કરનારા આયાત પ્રતિબંધનો અંત લાવવાની તરફેણમાં મત આપનારા ઈયુ સભ્ય રાષ્ટ્રો અને કમિશને કરેલી કાર્યવાહીનો મને આનંદ છે.
ઘણાં લોકોએ અભિયાનને ટેકો આપ્યો હતો અને ઘણાં મહિનાઓથી આ મુદ્દે કાર્યરત ફ્રૂટી ફ્રેશ (વેસ્ટર્ન) લિમિટેડની ટીમનો હું ખાસ આભારી છું. લેસ્ટરના વેપારીઓના સમર્થનનો પણ હું આભારી છું અને અભિયાન ફળદાયી નીવડતા તેઓ ખુશ થયા હશે તેની મને ખાતરી છે.
વડા પ્રધાન કેમરન પણ ઘણા મદદરૂપ થયા છે અને મને કહેતા આનંદ થાય છે કે નંબર-૧૦ને આફૂસ કેરીનો વધુ એક કરંડિયો મોકલવાનું વચન હું પાળી શકીશ.’
ભારતીય આફૂસ કેરી અને ચાર શાકભાજીમાં જંતુનાશકોની હાજરીનું કારણ દર્શાવી ઈયુએ ૧ મે ૨૦૧૪થી ડિસેમ્બર ૨૦૧૫ સુધી લાખો ડોલરની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. ૨૦૧૩માં ભારતથી આવેલા ફળ-શાકભાજીના ૨૦૭ કન્સાઈમેન્ટમાં જંતુઓ જણાયાં હતાં.