લંડનઃ બ્રિટિશ અટકાયતીઓને ગ્વાન્ટેનામો બે ખાતે સરકાર સામેનો લાખો પાઉન્ડનો વળતરનો દાવો જીતવામાં મદદ કરનાર લંડનની લો ફર્મ લેઈ ડેના પાર્ટનર અને લોયર સપના મલિકનું રજિસ્ટ્રેશન પ્રોફેશનલ ટ્રિબ્યુનલ દ્વારા રદ કરાય તેવી શક્યતા છે.
મલિક ૩૦ મિલિયન પાઉન્ડના અલ-સ્વિદી ઈન્કવાયરી સંબંધિત કેસોમાં સંડોવાયેલી હતી. ઈરાક યુદ્ધ સમયે બ્રિટિશ લશ્કર વિરુદ્ધ વળતરના ખોટા દાવાની બાબતે મલિક પર ગેરવર્તણુંકનો આરોપ મૂકાયો છે. ગેરવર્તનના આરોપની સાત અઠવાડિયા સુધી ચાલનારી સુનાવણી એપ્રિલમાં શરૂ થશે. ઈરાક યુદ્ધના વળતરના દાવાઓમાં મલિક અન્ય લોયર ફિલ શાઈનર સાથે કામ કરતી હતી અને અપ્રામાણિકતા બદલ તેનું નામ રદ કરાયું તેના થોડા દિવસ પછી સપનાનો કેસ શિસ્તપાલન ઓથોરિટી સમક્ષ રજૂ કરાયો હતો.