લંડનઃ ઈસ્ટ લંડનમાં આવેલી એક શોપમાં બે નાઈફધારી શખ્સોએ ઘૂસી જઈને તેના ૬૦ વર્ષીય માલિકને ટિલ્ટમાંથી બધું જ પોતાને આપી દેવાની ધમકી આપીને તેમના પર હિંસા આચરવામાં આવી હતી. જોકે, શોપમાં ખરીદી માટે નિયમિત આવતા મિકેનિક ૬૭ વર્ષીય બાલુભાઈ પટેલે વચ્ચે પડીને તેમનો જીવ બચાવ્યો હોત. ચોરોએ તેમના પર પણ હુમલો કર્યો હતો.
બન્ને ચોરે શોપકિપરને બેઝબોલ બેટથી માર માર્યો હતો. તેમને ભોંય પર પાડી દઈને બંદૂક તાકી દીધી હતી અને ચહેરા પર ઉઝરડા પાડ્યા હતા. તે સમયે શોપમાં નિયમિત રીતે ખરીદી માટે આવતા મિકેનિક ૬૭ વર્ષીય બાલુભાઈ પટેલે આ દ્રશ્ય જોયું. તેમણે પોતાના ટૂલબોક્સમાંથી હથોડો કાઢ્યો અને પીડિતની મદદે દોડી ગયા.
પટેલે જણાવ્યું, ‘તેમના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. તેથી મારે વચ્ચે પડવું પડ્યું. હું મારા કામેથી આવ્યો હતો તેથી ટૂલબોક્સ મારી પાસે જ હતું એટલે શોપમાં તે લઈને ગયો. તે લોકો તેમને મારી નાખવાના હતા. મેં મારા મિત્રને ભોંય પર પડેલા જોયા અને એક જણાએ તેમના લમણે બંદૂક તાકી હોય તેવું લાગ્યું. તેમાંના એકે મને ચહેરા, છાતી અને મોં પર મુક્કા માર્યા. મને લાગ્યું કે હું પણ મરી જઈશ.’
બન્ને ચોરો ત્યાંથી ખાલી હાથે નાસી ગયા તે પહેલાના સીસીટીવી ફૂટેજમાં ચાર લોકો એકબીજા સાથે મારામારી કરતા દેખાયા હતા.
શોપના માલિક ફેમિલી બિઝનેસમાં છેલ્લા ૪૦ વર્ષથી ઈસ્ટ લંડનના ફોરેસ્ટ ગેટમાં શ્રુસબરી રોડ પર ઈસ્ટ લંડન વાઈન શોપ ચલાવે છે. હુમલાને લીધે શોપમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. તેમણે તેમના પરિવારના સભ્યોને જણાવ્યું હતું કે પાઘડીને લીધે ફટકાઓથી તેમનું રક્ષણ થયું હતું.
શોપકિપરના ભાઈએ જણાવ્યું હતું કે બાલુભાઈ એક હિરો છે તેમાં કોઈ શંકા નથી. લોકોને મદદ કરવાનું તેમના માટે સ્વાભાવિક છે અને હું માનું છું કે તેમણે મારા ભાઈનો જીવ બચાવ્યો છે. પોલીસે હુમલો કરનારા બન્નેને પકડી લેવા જોઈએ અને યોગ્ય સમય માટે શહેર બહાર કરી દેવા જોઈએ. આવા લોકો માત્ર મારા ભાઈ માટે જ નહીં અન્ય લોકો માટે પણ જોખમરૂપ છે.
મેટની ફ્લાઈંગ સ્ક્વોડે હુમલાની તપાસ હાથ ધરી હતી. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ કરાઈ નથી. પીડિતને ઈસ્ટ લંડન હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હતા. જોકે તેમને થયેલી ઈજા ખૂબ ગંભીર ન હતી. તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.