લંડનઃ આઠ વર્ષના વિન્સેન્ટ બાર્કર (વિની)ની આંખમાં ખરાબી શોધવામાં નિષ્ફળ ઓપ્ટોમેટ્રિસ્ટ હની રોઝ નિષ્ફળ રહેતાં તેને ઈપ્સવિચ ક્રાઉન કોર્ટે સઘન બેદરકારી સાથે માનવવધ માટે દોષિત ઠરાવી છે. વિનીનું ૨૦૧૨ની ૧૩ જુલાઈએ મગજમાં પાણી ભરાઈ દવાના કારણે મૃત્યુ થયું હતું. જ્યુરીએ ત્રણ કલાક અને ૧૨ મિનિટની ચર્ચા પછી ઓપ્ટોમેટ્રિસ્ટને સર્વાનુમતે દોષિત ઠરાવી હતી. તેને સજા માટે તારીખ નિશ્ચિત કરાઈ નથી.
ઈપ્સવિચ ક્રાઉન કોર્ટમાં ઈસ્ટ હામના મિલ્ટન એવન્યુની હની રોઝ વિરુદ્ધ વિન્સેન્ટ બાર્કરના મોત સબબે ટ્રાયલ ચાલી રહી હતી. પ્રોસીક્યુશને રજૂઆત કરી હતી કે ઈપ્સિચના આઠ વર્ષીય બાળકની આખમાં ખરાબી ૩૫ વર્ષીય ઓપ્ટ્રોમેટ્રિસ્ટ રોઝે ધ્યાનમાં લીધી હોત તો તેનું મૃત્યુ ટાળી શકાયું હોત. ટ્રાયલમાં રોઝે પોતાનાં બચાવમાં કહ્યું હતું કે તેણે વિનીની આંખોની ફોટોગ્રાફિક ઈમેજીસ નિહાળી ન હતી અન્યથા તેને હોસ્પિટલમાં વધુ તપાસ માટે રીફર કર્યો હોત.
જોકે, ક્વીન્સ કાઉન્સેલ જોનાથન રીસે આક્ષેપ કર્યો હતો કે વિનીની બન્ને આંખોની રુટિન તપાસ દરમ્યાન ‘દેખીતી અસામાન્યતા’ જોઈ શકવામાં રોઝ નિષ્ફળ ગઈ હતી. સ્કૂલમાં બીમાર થયાના પાંચ મહિના પછી મગજમાં પાણી ભરાઈ જવાની હાઈડ્રોસેફેલસની સ્થિતિથી વિનીનું મૃત્યુ થયું હતું. કાઉન્સેલે દાવો કર્યો હતો કે વિનીને તાત્કાલિક હોસ્પિટલમાં રીફર કરાયો હોત તો તેની બીમારીની યોગ્ય સફળ સારવાર થઈ શકી હોત.