લંડનઃ ઈસ્લામવાદીઓ દ્વારા સ્થપાયેલી ૫૦ બિનઅંકુશિત શાળા શિક્ષણ સત્તાવાળાની તપાસ હેઠળ છે, જેમાં ટ્રોજન હોર્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલા પૂર્વ શિક્ષક દ્વારા સ્થાપિત ઘણી શાળા પણ સામેલ છે. આમાં ઈસ્ટ લંડનમાં ટાવર હેમલેટ્સ, નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટ, લુટન અને બર્મિંગહામની કેટલીક શાળાઓ સામે બ્રિટિશ મૂલ્યોની ભાંગફોડ કરવાનો કથિત આક્ષેપ છે.
કેટલાંક સોમાલી, બંગાળી અને પાકિસ્તાની પરિવારોના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહની શાળાઓમાંથી ઉઠાડી તેમને ઘેર શિક્ષણ અપાય છે, જેમાં મુખ્યત્વે ઈસ્લામિક શિક્ષણ આપતી શાળાઓ મદદ કરે છે. સત્તાવાળાઓને ડર છે કે આ બાળકોને શિક્ષણકેન્દ્રોમાં કટ્ટરવાદી બનાવવાનું જોખમ રહેલું છે. ટાવર હેમલેટ્સમાં સજા કરાયેલા ઈસ્લામી કટ્ટરવાદી મિઝનુર રહેમાન દ્વારા ચલાવાતી સિદ્દિક એકેડેમીને જાન્યુઆરીમાં બંધ કરાવી દેવાઈ હતી.
વ્હાઈટહોલના અધિકારીએ જણાવ્યું હતું કે જેહાદીઓ સાથે જોડાવા સીરિયા જતા બાળકોની વધતી સંખ્યા અંગે ચિંતા મધ્યે બિનઅંકુશિત શાળાઓની સંખ્યા વધી હોવા અંગે શિક્ષણવિભાગે તપાસ આરંભી છે. આવી કેટલીક શાળાઓનું સંચાલન લોકશાહી, સમાનતા અને સહિષ્ણુતાના વિરોધી લોકો દ્વારા કરાય છે કારણ કે તેઓ આ મૂલ્યોને તેમની ધાર્મિક માન્યતાથી વિરુદ્ધ માને છે.