માન્ચેસ્ટરઃ વડા પ્રધાન ડેવિડ કેમરને કન્ઝર્વેટીવ પાર્ટી કોન્ફરન્સમાં યુકેમાં ઘૃણા પ્રસરાવતી ઈસ્લામિક શાળાઓ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમના પાંચ વર્ષના શાસનકાળમાં પ્રિઝન્સ, શાળાઓ અને મકાનની માલિકી સહિત સંખ્યાબંધ સુધારા થકી સમાજના પરિવર્તનની તેમણે ખાતરી ઉચ્ચારી હતી. વડા પ્રધાને લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન બ્રિટનની સલામતી જોખમરૂપ તેમ જ ત્રાસવાદીઓ માટે સહાનુભૂતિ ધરાવતા હોવાનું કહ્યું હતું. સામાન્ય ચૂંટણીમાં ટોરી પાર્ટીને અભૂતપૂર્વ બહુમતી આપનાર બ્રિટિશ પ્રજાનો વિશ્વાસ તૂટશે નહિ તેવી ખાતરી પણ તેમણે ઉચ્ચારી હતી.
કેમરનનું ‘મહાન બ્રિટન’નું સ્વપ્નઃ
વડા પ્રધાન કેમરને કહ્યું હતું હતું કે તેઓ ૨૦૨૦માં સત્તા છોડે ત્યાં સુધી તેમની પાસે હવે માત્ર પાંચ વર્ષનો સમય રહ્યો છે. તેઓ ત્રીજી મુદત માટે વડા પ્રધાન નહિ બને તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. સમાજમાં ઊંડા મૂળ ધરાવતી ગરીબી અને ત્રાસવાદનો સામનો, ‘લોક-ધેમ-અપ’ પ્રિઝન પોલિસીનો અંત તેમ જ યુકેને વિશ્વમાં ગૌરવશાળી બહુવંશીય લોકશાહી બનાવવાની તેમને ‘ઉતાવળ’ છે. કેમરનના મહાન બ્રિટન સ્વપ્નમાં •આગામી ચૂંટણી અગાઉ સરપ્લસ બજેટ• ઘૃણાને ઉત્તેજન આપતા મદરેસા અને અન્ય ધાર્મિક શાળાઓ બંધ કરાવવી•પોસાય તેવાં ઘર ખરીદી માટે ઓફર કરવા બિલ્ડિંગ પેઢીઓને ફરજ પાડવી•નિષ્ફળ સામાજિક સેવાઓ માટે ખાસ પગલાં•કેદીઓની આરોગ્ય સમસ્યા, શિક્ષણ અને તેમને કામકાજ શોધી આપવાં•નવી ૫૦૦ ફ્રી સ્કૂલ્સની સ્થાપના અને દરેક સ્કૂલ્સનું એકેડેમીમાં રૂપાંતર•સીરિયામાં ISISના વિનાશનું કાર્ય•સંરક્ષણ પાછળ જીડીપીના બે ટકાનો ખર્ચ•બ્રિટિશ અણુ પ્રતિરોધકની પુનઃ સ્થાપના સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
ઘૃણા ફેલાવતી ઈસ્લામિક શાળાઓ બંધ કરાશે
નિષ્ક્રિય સહિષ્ણુતાના કારણે બાળકો કટ્ટરવાદીઓના શિકાર બને છે તેમ જણાવી કેમરને કહ્યું હતું કે બાળકોના દિલોદિમાગમાં ઘૃણાનું ઝેર ભરતી ઈસ્લામિક ધાર્મિક શાળાઓ બંધ કરી દેવાશે. બ્રિટનમાં બાળકો દરરોજ મદરેસામાં ઘણો સમય વીતાવે છે. ધાર્મિક શિક્ષણ ખરાબ નથી. બાળકોના મન ખુલે, તેમની ક્ષિતિજો વિસ્તરે તે જરૂરી છે. તેમના દિલો-દિમાગને ઝેરથી ભરવું ન જોઈએ. કોઈ પણ ધર્મની શાળાઓ બાળકોને અસહિષ્ણુતા શીખવતી હશે તેને બંધ કરી દેવાશે. બ્રિટન નિષ્ક્રિય સહિષ્ણુતાનો દેશ નહિ રહે. આગામી પાંચ વર્ષમાં મારી પ્રથમ ફરજ લોકોને ત્રાસવાદથી સુરક્ષિત રાખવાની છે.
કોર્બીનને ત્રાસવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ
કેમરને લેબર પાર્ટીના નવા નેતા જેરેમી કોર્બીન પર આકરા પ્રહારો કરી તેમને ત્રાસવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા અને બ્રિટનની સલામતી માટે જોખમરૂપ ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે કોર્બીન વિશે ઘણું લખાયું છે પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે તેઓ ઓસામા બિન લાદેનના મોતને ટ્રેજેડી માને છે. ટ્રેજેડી તો એક સવારે ન્યૂ યોર્કમાં ૩,૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા તે છે.