લંડનઃ ગ્રાહકના એકાઉન્ટ્સમાંથી £૫૭,૦૦૦થી વધુની ઉચાપત કરવામાં કાવતરાખોરોને મદદ કરવાના ગુનામાં બાર્કલેઝ બેન્કની વેમ્બલી શાખાના ૩૮ વર્ષીય કર્મચારી અમિત કંસારાને ઓલ્ડ બેઈલી કોર્ટે ફ્રોડના એક ગુનામાં ૧૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. અમિત કંસારાએ માર્ચ ૨૦૧૩માં રાજીનામું આપતા પહેલા બેન્કના ગ્રાહક એલ્ઝબિટા રોજરસન્સની ખાનગી માહિતી ઠગાઈ કરનારી ગેન્ગને પૂરી પાડી હતી. કાવતરાખોરોએ ૨૦ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા મહિલાના ચાર એકાઉન્ટ્સમાંથી ઉચાપત કરતા બેન્કને ૪૮૨,૦૦૦નું નુકસાન થયું હતું.
કંસારાએ અન્ય ગ્રાહકોની માહિતી પણ કાવતરાખોરોને આપી હતી. જોકે, તેણે દબાણ હેઠળ આમ કર્યું હોવાની રજૂઆત જ્યુરીએ સ્વીકારી હતી. તેણે જણાવ્યું હતું કે કાવતરાખોરોએ તેની સામે ગન ધરી બનાવટી ટ્રાન્ઝેક્શન્સ કરવાની ફરજ પાડી હતી અને પોતાની પરિવારની સલામતીને ધ્યાનમાં રાખી તેમની માગણી અનુસાર કામ કર્યું હતું. બે ગ્રાહકોએ તેમના બેન્ક એકાઉન્ટ્સમાંથી £૩૦,૦૦૦ - £૩૦,૦૦૦ અદૃશ્ય થયાંની ફરિયાદ કર્યા પછી જૂન ૨૦૧૩માં કંસારાની ધરપકડ કરાઈ હતી.
પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે ઉચાપત કરાયેલાં નાણાં લાપતા લોકોના ખાતાં અથવા બનાવટી એકાઉન્ટ્સમાં જમા કરાવાતાં હતા. આમાં એક અપવાદ કેમ્બ્રિજના માઈલ્સ કોનીના ખાતામાં £૧૦,૦૦૦ ટ્રાન્સફર કરવાનો હતો. કોનીએ મની લોન્ડરિંગની કબૂલાત કરી છે. તેને હવે સજા જાહેર કરાશે.
જજ જેરાલ્ડ ગોર્ડને સજા જાહેર કરતા જણાવ્યું હતું કે વિશ્વાસઘાતનું આ દેખીતું ઉદાહરણ છે. ટ્રાયલ પછી સજા સસ્પેન્ડ કરવાથી લોકોમાં ખોટો સંદેશ જશે.