લંડનઃ મેટ્રોપોલીટન પોલીસના ઉચ્ચ એશિયન મહિલા અધિકારી પર્મ સાંધુ સામે પોલીસ દળના નિયમોનું ઉલ્લંઘન કરવાના આક્ષેપ કરાયા છે. રિચમન્ડ અપોન થેમ્સના બરો કમાન્ડર સાંધુ અબુ ધાબીમાં ખાનગી પોલીસ ટ્રેનિંગ કંપની રોડ જાર્મન એસોસિયેટ્સમાં સહ-ડિરેક્ટર હોવાનું બહાર આવ્યું છે. આક્ષેપમાં પૂર્વ મેટ ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર રોડ જાર્મનને સાંધુના પાર્ટનર ગણાવાયાં છે. પોલીસ દળની કામગીરી અને બાહ્ય હિતો વચ્ચે ટકરાવ અંગે પણ પ્રશ્નો ઉઠાવાયા છે. જોકે, મેટ્રોપોલીટન પોલીસે સાંધુમાં સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું છે.
મેટ્રોપોલીટન પોલીસદળમાં બાહ્ય બિઝનેસ હિતો સંબંધે કડક ગાઈડલાઈન્સ હોવાં છતાં ઉચ્ચ એશિયન મહિલા અધિકારી પર્મ સાંધુ પોલિસિંગ અને કોમ્યુનિટી સેફ્ટીના સલાહ, ટ્રેનિંગ અને વિકાસ સહિત તમામ પાસાઓ વિશે કાર્યરત રોડ જાર્મન એસોસિયેટ્સ (RJA)ના કો-ડિરેક્ટર હોવાનો અહેવાલ સન્ડે ટાઈમ્સ અખબાર દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. કંપનીની વેબસાઈટ અનુસાર તે અબુ ધાબી પોલીસ ફોર્સને ટ્રેનિંગ પૂરી પાડે છે. RJA સાથે પર્મ સાંધુની ભૂમિકાના પ્રશ્ને મેટ દ્વારા કહેવાયું હતું કે તેમનાં હિતો ‘રજિસ્ટર્ડ’ કરાયાં છે. ગત માર્ચમાં યુકેના ૧૯,૭૧૧ પોલીસ અધિકારીઓ દ્વારા તેમની બીજી નોકરી અથવા બિઝનેસ હિતો રજિસ્ટર્ડ કરાવાયાં હતાં. સાંધુનું ૨૦૦૬માં એશિયન વુમન ઓફ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરાયું હતું.
મેટ્રોપોલીટન પોલીસ ઓથોરિટીના પૂર્વ સભ્ય બેરોનેસ જોન્સ ઓફ માઉલસીકુમ્બે આ અંગે જણાવ્યું હતું કે,‘સીનિયર અધિકારી જ મેટના નિયમોનું ઉલ્લંઘન કરતા જણાય તેવાં બાહ્ય બિઝનેસ હિતો ધરાવતા હોય તે ખેદજનક છે.’