લંડનઃ ગયા વર્ષે ફ્રાન્સ, જર્મની, યુએસ અને કેનેડાની સરખામણીએ બ્રિટનની ઉત્પાદકતા ઓછી રહી હતી. જર્મન અને ફ્રેન્ચ કામદારોની સરખામણીએ બ્રિટિશ કામદારો ૩૩ ટકા ઓછાં ઉત્પાદક હતા. અગ્રણી અર્થતંત્રોના જૂથના દેશોના અન્ય સભ્યોની સરખામણીએ બ્રિટનમાં દર કલાકે ૨૦ ટકા ઓછું ઉત્પાદન નોંધાયું હતુ, જે ૧૯૯૧ પછી સૌથી ખરાબ પરિણામ છે. નાણાકીય કટોકટી પછી બ્રિટનનો દેખાવ ખરાબ થતો રહ્યો છે.
ગયા વર્ષે જર્મનીએ પ્રતિ કલાક ૩૩ ટકા, ફ્રાન્સ અને યુએસએ ૩૨ ટકા, ઈટાલીએ ૧૦ ટકા અને કેનેડાએ ચાર ટકા વધુ ઉત્પાદન કર્યું હતું, જ્યારે જાપાનમાં ઉત્પાદન ઓછું હતું. અન્ય વિકસિત અર્થતંત્રોની સરખામણીએ યુકેની ઉત્પાદકતા પાછી પડી રહી છે. નાણાકીય પછી પણ અન્ય અર્થતંત્રોની ઉત્પાદકતાની ખાઈ સાત ટકા રહી છે, જ્યારે બ્રિટન માટે તે ૧૮ ટકાની છે.