લંડનઃ આગામી વર્ષે યોજાનારી લંડન એસેમ્બલી ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઈસ્ટ હામના કાઉન્સિલર ઉન્મેષ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. તેઓ ન્યુહામ, બાર્કિંગ એન્ડ ડેગનહામ, ટાવર હેમલેટ્સ અને સિટી ઓફ લંડનના બરોઝને આવરી લેતા સિટી એન્ડ ઈસ્ટ મતક્ષેત્ર માટે સ્પર્ધામાં ઉભા રહેશે.
ક્રાઈમ અને એન્ટિ-સોશિયલ વર્તણુક અંગે કેબિનેટ મેમ્બર કાઉન્સિલર દેસાઈએ ફાઈનલ સ્ટેજમાં ૫૩.૩ ટકા મત મેળવી બાર્કિંગ એન્ડ ડેગનહામના કાઉન્સિલર રોકી ગિલને પરાજિત કર્યા હતા. વર્ષ ૨૦૦૦માં આ બેઠકની રચના કરાઈ ત્યારથી લેબર પાર્ટીના જ્હોન બિગ્સ હસ્તક રહી હતી પરંતુ, ટાવર હેમલેટ્સના મેયરે સિટી હોલ માટે માટે ફરી ઉમેદવારી નહિ કરવા નિર્ણય લીધો હતો.
ઉન્મેષ દેસાઈ આશરે ૨૦ વર્ષથી સેન્ટ્રલ પાર્ક એસ્ટેટમાં નિવાસ કરે છે. તેઓ ૨૦૦૨થી ઈસ્ટ હામના કાઉન્સિલર છે. તેઓ સ્થાનિક ફેસિલિટીઝ અને દુકાનોનો ઉપયોગ કરે છે તેમ જ સેવાઓમાં સુધારો, વધુ સ્થાનિક નોકરીઓ અને અપરાધ વિરુદ્ધની લડત તેમની મુખ્ય પ્રાથમિકતાઓ છે. ધ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી દેસાઈ ત્રણ દાયકાના કોમ્યુનિટી અભિયાનો સાથે પોતાને કર્મશીલ જ લેખાવે છે.