લંડનઃ ક્રિકલવુડમાં રહેતાં ૪૪ વર્ષીય ઉષા પટેલની હત્યા કરી હોવાનું સ્વીકાર્યા પછી આરોપી માઈલ્સ ડોનેલીને ઓલ્ડ બેઈલી કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવાઈ હતી. ગત વર્ષે આઠ ઓક્ટોબરે તેમનો મૃતદેહ મેલરોઝ એવન્યુના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેમના પર બ્રેડ નાઈફથી હુમલા ઉપરાંત, ગળું રુંધવામાં આવ્યું હતું અને ચહેરાં પર માર મરાયાનાં નિશાન પણ હતાં. હત્યા સમયે મૃતકનો પાંચ વર્ષનો પુત્ર પણ ફ્લેટમાં હાજર હતો.
ગત વર્ષે એપ્રિલમાં ઉષા પટેલ અને પેડિંગ્ટનના ૩૫ વર્ષીય માઈલ્સ ડોનેલી ઉર્ફ માઈલ્સ રાયનની મુલાકાત ઓએસિસ ડેટિંગ વેબસાઈટ પર થઈ હતી. આ પછી તેમની આમનેસામને મુલાકાત થઈ હતી અને તેઓ મળવાં લાગ્યાં હતાં. સાત ઓક્ટોબરે ઉષા પટેલે માઈલ્સને ઘેર આવવા આમંત્રણ આપ્યું હતું. કોઈ કારણે ગુસ્સે ભરાયેલા ડોનેલીએ ઉષા પટેલની હત્યા કરી નાખી હતી. હત્યા પછી તે નાસીને અન્ય મહિલાને ત્યાં ૩૬ કલાક સુધી છુપાયો હતો અને ત્યાં પણ જાતીય સંબંધને નકારવાથી તે મહિલા પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
બે સપ્તાહની ટ્રાયલમાં ડોનેલીએ શરૂઆતમાં હત્યા કરી ન હોવાની દલીલ કરી હતી. જોકે, સોમવાર ૧૮ જુલાઈએ તેણે ગુનો સ્વીકાર્યો હતો અને ૨૧ જુલાઈએ જજ રેબેકા પોલૈટ QCએ સજા જાહેર કરી હતી. આજીવન કેદની સજામાં તેણે ઓછામાં ઓછાં ૨૩ વર્ષ જેલમાં ગાળવા પડશે.
૩૫ વર્ષના માઈલ્સ ડોનેલીએ ૪૪ વર્ષની ઉષા પટેલની હત્યા કરી હોવાનો ગુનો સોમવારે કબુલી લીધો હતો. ઉષા પટેલનો મૃતદેહ ગયા ઓક્ટોબરમાં પૂર્વોત્તર લંડનના કિકવેલ ક્ષેત્રના પોતાના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો.
જજ રેબેકા પૌલેટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મારા અભિપ્રાય મુજબ આ કેસ એમના માટે આંખ ઉઘાડનાર છે જેઓ મર્યાદિત ઓળખાણ પછી કોઈને મળે છે અને પછી પરિણામ ભોગવે છે. ઉષા પટેલે આરોપીને પોતાના ફ્લેટમાં બોલાવ્યો હતો. ઉષા એક નવા જ સાથીને મળવા માટે ખૂબ જ ઉત્સાહી દેખાતી હતી.