લંડનઃ હેરો કાઉન્સિલે ગ્લોબલ ફ્લેગ રેઈઝિંગ સેરિમનીમાં ભાગ લઈને કોમનવેલ્થ ડેની ઉજવણી કરી હતી. ફ્લેગ રેઈઝીંગમાં ડેપ્યુટી લેફ્ટનન્ટ જહોન પર્નેલ મેયર કાઉન્સિલર રેખાબહેન શાહ સાથે જોડાયા હતા.
દર વર્ષે કોમનવેલ્થના દેશોના હજારો નાગરિકો કોમનવેલ્થ પ્રત્યે આદર દર્શાવવા અને શાંતિ ઘડતરના કોમનવેલ્થના મૂલ્યને સમર્થન આપવા માટે એકત્ર થાય છે. દેશની સૌથી વિશિષ્ટ બરો પૈકીની એકમાં યોજાયેલ ફ્લેગ રેઈઝિંગ સેરિમની આદર અને સમજ સાથે એકબીજાને સહાય કરવાના કોમનવેલ્થના બંધારણ પ્રત્યે હેરોની પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે.
મેયર કાઉન્સિલર રેખાબહેન શાહે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ડે આપણી વચ્ચે જે તફાવતો છે તેની ઉજવણી કરવાનો અને એકબીજા વિશે વધુ જાણવાનો દિવસ છે. હેરોમાં તમામ ધર્મ, કોમ્યુનિટી અને વર્ગના લોકોએ સમજ અને સહિષ્ણુતા સાથે હળીમળીને ખૂબ શાંતિપૂર્વક રહીને જે શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડ્યા છે તેનું આપણને ગૌરવ છે. તેમણે ઉમેર્યું હતું ,‘દરેક વ્યક્તિ પરિસ્થિતિ બદલી શકે છે અને હું આશા રાખું છું કે આપણે સૌ એકતા અને સમાનતાનો સંદેશો ફેલાવવા માટે ભાવિ પેઢીઓને પ્રેરણા આપતા રહીશું.’
ફોટોલાઈન – હેરોના મેયર કાઉન્સિલર રેખાબેન શાહ અને ડેપ્યુટી લેફ્ટનન્ટ જહોન પર્નેલે કોમનવેલ્થ ફ્લેગ લહેરાવ્યો હતો ( સૌજન્ય – ડર્મોટ કાર્લિન)