ગ્લાસગોઃ એક સિંગર પ્લેનમાં ગરમી લાગવાથી બેહોશ થઈ ગયો, પણ પ્લેનમાં ગરમી?! આશ્ચર્ય પમાડે તેવી આ ઘટનામાં વાસ્તવિક્તા જુદી જ છે. આ મુસાફરે એક્સ્ટ્રા લગેજ ચાર્જ બચાવવાનાં ચક્કરમાં એક સાથે ૧૨ કપડાં પહેરી લીધાં હતાં. ૧૯ વર્ષનો જેમ્સ મેકએલ્વર ગ્લાસગોના બોયબેન્ડ 'રિવાઇન્ડ'નો સિંગર છે. તે લંડનથી ગ્લાસગો જતી ઇઝીજેટની ફ્લાઇટમાં પ્રવાસ કરતો હતો અને મુસાફરી દરમિયાન જ બેહોશ થઈ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બેન્ડ એરપોર્ટ પર સામાન ચેક-ઇન કરાવી રહ્યું હતું ત્યારે મેકએલ્વરને જણાવાયું કે તેની પાસે વધુ સામાન છે. એક્સ્ટ્રા લગેજ માટે તેણે ૪૫ પાઉન્ડ ચૂકવવા પડશે. આમાંથી બચવા તેણે તમામ ૧૨ કપડાં એક સાથે પહેરી લીધાં હતાં.
પ્રવાસ દરમિયાન તેણે ૬ ટી-શર્ટ, ૫ સ્વેટર, ૩ જિન્સ, ૨ જોગિંગ બોટમ, ૨ જેકેટ અને ૨ હેટ પહેર્યા હતા. આટલાં બધાં કપડાં પહેરવાને કારણે તેને ખૂબ ગરમી થવા લાગી, જેનાથી તેની તબિયત લથડી અને તે ફ્લાઇટમાં જ બેહોશ થઈ ગયો હતો. સંજોગવશાત્ એક રજા પર ઊતરેલો સ્વાસ્થ્યકર્મી ફ્લાઇટમાં હાજર હતો, જેણે ફ્લાઇટ દરમિયાન તેની સારવાર કરી હતી.