સપ્ટેમ્બરનું આગમન અને પાનખરના આરંભ સાથે રોજિંદી દોડધામ અને ઘરેડ શરૂ થઈ જાય છે. ફરી નોકરી-ધંધામાં પરોવાઈ જાવ, વિદ્યાર્થીઓ ફરી શાળાઓમાં જતાં થાય, યુનિવર્સિટીના વર્ષ અને રાજકીય અધિવેશનોની સીઝન પણ શરૂ થાય અને હા, જીવનના તમામ ક્ષેત્રોમાં એશિયન સફળતાને ઉજવવા માટે સંખ્યાબંધ એવોર્ડ્ઝ સમારંભો તો ખરાં જ!
બ્રિટિશ એશિયન કેલેન્ડરમાં આશરે બે દાયકા અગાઉ શરૂ થયેલા વાર્ષિક એવોર્ડ્ઝ સમારંભો તમામ પડકારોનો સામનો કરી પોતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરનારી વ્યક્તિઓને પ્રકાશમાં લાવવાની ઈચ્છા સાથે જ શરૂ કરાયા હતા. સફળતાની કદર અને સ્વીકૃતિ ઝંખતી ઈમિગ્રન્ટ કોમ્યુનિટીને આ સમારંભોએ આરામપ્રદ બ્લેન્કેટની હૂંફ પૂરી પાડી છે.
મને શરૂઆતમાં જ આવા એવોર્ડઝ હાંસલ થયા પછી આવા સમારંભો વહેલા કે મોડા, કદાચ બંધ થઈ જશે તેમજ ઉચ્ચ સિદ્ધિઓ મેળવનારી કોમ્યુનિટી માટે તે અપ્રસ્તુત બની જશે તેવી છુપી આશા મારા સહિત ઘણા લોકો સેવતા હતા. જોકે, મારા ભારે આશ્ચર્ય વચ્ચે આનાથી ઉલટું જ થયું છે.
ગત સપ્તાહે લંડનની ગ્રોવનર હાઉસ હોટેલમાં ભવ્યતમ ૧૬મા એશિયન એચિવર્સ એવોર્ડઝ સમારંભે દર્શાવ્યું તેમ આપણે વાસ્તવમાં નોંધપાત્ર પુનરુત્થાનના સાક્ષી બન્યા છીએ. આ નવચેતનાનો આધાર ઓપરેશનના તમામ પાસાના વ્યવસાયીકરણ પર જ રહેલો છે.
નિર્ણાયક પેનલને એવોર્ડવિજેતા અંગે નિર્ણય કરવાની સકારાત્મક અને સ્વવિવેકાધીન સત્તાના પરિણામે આ ઈવેન્ટને મહત્ત્વની કાયદેસરતા મળી છે. ઈવેન્ટના પ્રોડક્શનમાં મનોરંજન, શિક્ષણ અને પ્રેરણા પૂરા પાડવા સેલેબ્રેટી પ્રઝન્ટર્સ અને વિડીઓગ્રાફિક્સ સાથે લગભગ ફિલ્મસેટ જેવા વાતાવરણને સાંકળી લેવાયું છે. આ સાથે તેમાં, સારા ઉદ્દેશો માટે નોંધપાત્ર રકમ એકત્ર કરતી ચેરિટેબલ અપીલ્સને પણ સાંકળી લેવાઈ છે. ગત સપ્તાહના એશિયન એચિવર્સ એવોર્ડઝ સમારંભમાં ૨૦૦૪ના વિનાશક સુનામી પછી સ્થાપિત ઈન્ડિયન ઓશન ડિઝાસ્ટર રીલિફ ચેરિટી માટે ૧૮૦,૦૦૦ પાઉન્ડની અધધ.. કહેવાય તેવી મોટી રકમની બાહેંધરી આપવામાં આવી છે.
હું એ બાબત સ્વીકારું છું કે આપણે કદર અને રોલ મોડેલ્સ માટેની લોકોની ઈચ્છા-તેમજ યોગ્ય ચેરિટીઝ તરફ આપણી કોમ્યુનિટીની ઉદારતાને ઓછી ન આંકવી જોઈએ.
એવોર્ડ સમારંભોના ઉત્તરોત્તર વર્ષોમાં અત્યાર સુધી છુપાઈ રહેલી પ્રતિભાઓના નવા ક્ષેત્રો શોધાતાં રહ્યાં છે. મને ખાતરી છે કે આગામી વર્ષોમાં બિઝનેસ, મીડિયા અને પ્રોફેશન્સનાં પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને એશિયન સિદ્ધિઓનાં નવા પ્રવાહો, ખાસ કરીને ટેકનોલોજી અને હેલ્થકેર જેવાં ક્ષેત્રોમાં જોવાં મળશે.
આથી જ, ૨૦૧૬નો બિઝનેસમેન ઓફ ધ યર એવોર્ડ મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સના નિક કોટેચાના ફાળે ગયો તેમજ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મારા સાથી ઉમરાવ અને ક્રોસબેન્ચર અને બ્રિટિશ મેડિકલ બિરાદરીના સૌથી જૂના સભ્યોમાં એક અને રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સના પૂર્વ પ્રેસિડેન્ટ લોર્ડ નરેન પટેલના ફાળે ગયો છે તેમાં કોઈ જોગાનુજોગ નથી. ભારતીય કંપનીઓ યુકે હેલ્થકેર સિસ્ટમને પોસાય તેવી જેનરિક મેડિસિન્સ પૂરી પાડવામાં વિશેષ ભૂમિકા ભજવે છે અને મેડિકલ વ્યવસાયમાં ૧૫ ટકાથી વધુ હિસ્સો એશિયન ડોક્ટર્સનો છે.
આ પુનરુત્થાન ભારે પ્રભાવશાળી છે ત્યારે હું એવોર્ડ્ઝના આયોજકોને ઓપરેટિંગ ક્ષમતા હજુ આગળ વધારવા તેમજ આવા ઈવેન્ટ્સને નવી ઊંચાઈએ પહોંચાડવા અનુરોધ કરું છું. એવોર્ડવિજેતાઓ સમાજને કશું પરત કરે, તેમના ક્ષેત્રોમાં અન્યોને, ખાસ કરીને વંચિત પશ્ચાદભૂ સાથેના લોકોને માર્ગદર્શન આપે તેવી સ્વૈચ્છિક બાહેંધરી આપવા પ્રોત્સાહિત કરી શકાય. આના પરિણામે, સારા કાર્યોનું પ્રેરણાવર્તુળ રચાશે અને લોકોનાં જીવનમાં તકોને સુધારવા માનવમૂડીમાં પુનઃરોકાણ થશે. આ રીતે, એવોર્ડ્ઝ સમારંભો વાસ્તવમાં ‘સતત આપવાનું જ જાણતી ભેટ બની જશે.’