લંડનઃ NHS દ્વારા અસ્થાયી અથવા બદલીમાં રહેતા ડોક્ટર્સ પાછળ બમણો ખર્ચ કરાતો હોવાનું સઘન ઓડિટમાં બહાર આવ્યું છે. યુરોપિયન નિયમોના લીધે સ્ટાફની તંગીની પૂર્તિ કરવા હોસ્પિટલો સપ્તાહના £૨૦,૦૦૦ના ધોરણે એજન્સીના દ્વારા મળતા ડોક્ટરોને ચૂકવણી કરે છે. પે-રોલ પરના સામાન્ય ડોક્ટર દર કરતા તેમની કમાણી ૪૦- ૫૦ ટકા વધુ રહે છે. એજન્સીઓ બદલીમાં મૂકાતા દરેક ડોક્ટર માટે અંદાજે £૨૭,૦૦૦નું વાર્ષિક કમિશન મેળવતી હોય છે, જે નર્સના વાર્ષિક વેતન કરતા પણ વધુ હોય છે.
ઓડિટમા વિગતો અનુસાર સૌથી વધુ કમાણી કરતા અસ્થાયી ડોક્ટર્સ પ્રતિ કલાક ૧૦૦ મેળવે છે અને આવા ડોક્ટર વાર્ષિક £૪૬૦,૦૦૦ સુધીની સૌથી વધુ કમાણી કરી શકે છે. જ્યારે સરેરાશ કન્સલ્ટન્ટ ડોક્ટર £૧૨૦,૦૦૦ની કમાણી કરે તેની સામે સરેરાશ એજન્સી રેડિયોલોજી ડોક્ટર સપ્તાહના ૪૦ કલાકના ધોરણે £૧૮૧,૦૦૦ની કમાણી મેળવી શકે છે. સૌથી સારી કમાણી વધીને £૨૮૨,૦૦૦ સુધી પહોંચે છે. જનરલ મેડિસિનમાં કામ કરતા ડોક્ટરોએ £૨૫૦,૦૦૦ સુધી કમાણી કરી હતી. જેઓ વધુ કલાક કામ કરવા તૈયાર હોય તેમની કમાણી ૨૦૧૪-૧૫માં સપ્તાહના ૮૦ કલાક માટે £૪૫૯,૨૭૫ સુધી પહોંચી શકે છે. હંગામી પીડિયાટ્રિશિયન સપ્તાહના સરેરાશ ૬૫ કલાકના ધોરણે £૩૨૦,૦૦૦ની વાર્ષિક કમાણી કરી શકે છે. એજન્સીઓ દરેક ડોક્ટર માટે અંદાજે £૨૭,૦૦૦નું વાર્ષિક કમિશન મેળવતી હોય છે, જે નર્સના વાર્ષિક વેતન કરતા પણ વધુ હોય છે.