લંડનઃ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના રકાસની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી એડ મિલિબેન્ડે પક્ષના નેતાપદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષના કાર્યકારી નેતાની જવાબદારી હેરિયટ હરમાનને સોંપાઈ છે.લેબર પાર્ટીનો સ્કોટલેન્ડમાં તદ્દન સફાયો થઈ ગયો છે અને સમગ્ર યુકેમાં તેની ભારે પીછેહઠ થઈ છે. એડ મિલિબેન્ડે સમર્થકો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ ડેવિડ કેમરનને અભિનંદન પણ પાઠવ્યા હતા. લેબર પાર્ટીના એડ બોલ્સ, ડગ્લાસ એલેકઝાન્ડર અને જીમ મર્ફી જેવા મોટા નેતાઓ પરાજિત થયા હતા.
એડ મિલિબેન્ડે જણાવ્યું હતું કે,‘હું સફળ થઈ ન શક્યો તે માટે દિલગીર છું. બે પાંચ વર્ષ મારા શ્રેષ્ઠ પ્રયાસ કર્યા હતા. આપણે અગાઉ પણ પાછા આવ્યા હતા અને આ પાર્ટી ફરીને પાછી આવશે. આ પક્ષની નેતાગીરીને આગળ લઈ જાય તેવા અન્ય નેતાની જરૂર છે. આથી જ હું રાજીનામું આપું છું.’ પક્ષના કાર્યકરોને સંબોધન પછી મિલિબેન્ડે ટ્વીટર પર લખ્યું હતું કે,‘આ પરિણામની જવાબદારી મારા એકલાની જ છે.
ઉલ્લેખનીય છે કે લેબર પાર્ટીની નેતાગીરી માટે પોતાને વધુ યોગ્ય ગણતા એડ મિલિબેન્ડ તેના ભાઈ ડેવિડની સામે પડ્યા હતા. જેના પરિણામે, પરિવારમાં ભાગલા પડ્યા હતા. જોકે, તેમની યોગ્યતામાં મતદારોને ભરોસો ન હોવાનું પરિણામોએ બતાવી દીધું છે. ડોનકાસ્ટર મતક્ષેત્રમાં સંબોધન કરતા મિલિબેન્ડને એમ કહેવાની ફરજ પડી હતી કે ચૂંટણીમાં રકાસ બદલ તેઓ ‘અત્યંત દિલગીર’ છે.