બર્મિંગહામ,લંડનઃ £૧૩૦ મિલિયનના ફૂડ ઉત્પાદક સામ્રાજ્યના વારસદાર એન્ટોનિયો બોપારાન સામે જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવવાના નવા આરોપો લાગી શકે છે. બોપારાને ૨૦૦૬માં કરેલા કાર અકસ્માતનો ભોગ બનેલી સેરિસ એડવર્ડ્સનું નવ વર્ષની વયે હોસ્પિટલમાં ઈન્ફેક્શનથી મોત થયું હતું. બોપારાનને એપ્રિલ ૨૦૦૮માં જોખમી ડ્રાઈવિંગનો દોષિત ઠરાવી ૨૧ મહિનાની જેલની સજા થઈ હતી, પરંતુ છ મહિના પછી તેને છોડી દેવાયો હતો. હવે અકસ્માતના નવ વર્ષ પછી સેરિસના પેરન્ટ્સે પોલીસને જોખમી ડ્રાઈવિંગથી મોત નીપજાવવાના નવા આરોપ લગાવવા માગણી કરી છે. જો અકસ્માતમાં સેરિસનું મોત થયું હોત તો તે સમયે ૧૯ વર્ષના બોપારાનને ૧૪ વર્ષની જેલની સજા થઈ હોત.
એન્ટોનિયો બોપારાન વાર્ષિક £૩.૪ બિલિયનનું વેચાણ ધરાવતા 2 Sisters Food Groupના રણજિત અને બલજિન્દર બોપારાનનો પુત્ર છે. ટર્નઓવરની દૃષ્ટિએ બ્રિટનમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ફૂડ કંપનીની ઓફિસો અને પ્લાન્ટ્સ બ્રિટન ઉપરાંત, આયર્લેન્ડ, નેધરલેન્ડ્ઝ અને પોલાન્ડમાં પથરાયેલાં છે. ગત વર્ષે એપ્રિલમાં બર્મિંગહામના નુવો બારની બહાર મારામારીની ઘટનામાં બોપારાનને આ વર્ષના માર્ચ મહિનામાં ૧૨ મહિનાની જેલ પણ થઈ હતી.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જો પોસ્ટ મોર્ટમમાં મૂળ અકસ્માત અને સેરિસના મૃત્યુ વચ્ચે કોઈ કડી હોવાનું પ્રસ્થાપિત થશે તો કેસની સમીક્ષા થઈ શકશે. આના કારણે બોપારાન વિરુદ્ધ નવા ચાર્જીસ લાગી શકે છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ દ્વારા નવા પુરાવા રજૂ થશે તો તેની તપાસ કરાશે.
બોપારાને નવેમ્બર ૨૦૦૬માં ૩૦ માઈલની ઝડપના ઝોનમાં પણ રોંગ સાઈડમાં ૭૦ માઈલની ઝડપે સ્પોર્ટ્સ કાર ચલાવી હતી અને એડવર્ડ્સ ફેમિલીની જીપ સાથે અથડામણ કરી હતી. આ અકસ્માતમાં એક વર્ષની સેરિસ જીપમાંથી ફંગોળાઈ હતી, તેની કરોડ તૂટી ગઈ હતી અને ડાબા મગજને ઈજા થતાં તે પેરાલાઈઝ્ડ થઈ હતી. તે બોલી શકતી ન હતી અને તેને સતત સંભાળની જરૂર રહેતી હતી. વર્ષો દરમિયાન તેના પર અનેક ઓપરેશન્સ થયાં હતા. શનિવાર, ૧૬ ઓક્ટોબરે બર્મિંગહામ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં ઈન્ફેક્શનના કારણે તેનું મોત થયું હતું. સેરિસને વર્ષ ૨૦૧૨માં £૫ મિલિયનનું વળતર અપાયું હતું અને તેની સારસંભાળના ખર્ચને પહોંચી વળવાની મદદ તરીકે વાર્ષિક £૪૫૦,૦૦૦ની જોગવાઈ પણ કરાઈ હતી.