ડો. રેમી રેન્જર CBE એ ભપકાદાર શૈલીમાં પોતાના ૭૦મા જન્મદિનની ઉજવણી કરી હતી. લંડનના પાર્ક લેનમાં ગ્રોવનર હાઉસ હોટેલમાં આ વિશેષ દિવસને ઉજવવા ૮૦૦થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાન પ્રેરણાદાયી આ સાંજે રેમીના સંતાનો રીના, અમીતા અને સબીનાએ પોતાના પિતા, રેન્જર પરિવારમાં તેમના પોતાના ઉછેર તથા તેમની સફળતામાં માતા અને પિતા પાસેથી મળેલાં મહામૂલા પ્રેમ, સ્નેહ અને માર્ગદર્શનના ઋણ વિશેની હૃદયસ્પર્શી વાતો કરી હતી. મહેમાનોએ ઉજવણીમાં નૃત્ય, ગીત-સંગીત અને સ્વાદિષ્ટ વાનગીઓનો રસાસ્વાદ માણ્યો હતો.
રેમીના ૭૦ વર્ષની જીવનયાત્રા આધુનિક પરીકથા સમાન જ છે. તેમણે પૂર્વજોનું ઘર અને પિતા શહીદ નાનકસિંહને ગુમાવ્યા પછી ભારતના પટિયાલાની નિર્વાસિત છાવણીમાંથી જીવનયાત્રાનો આરંભ કર્યો હતો. ભારતના વિભાજનના વિરોધ કરનારા બાળકોનો જીવ બચાવવાના પ્રયાસમાં નાનકસિંહે કોમી રમખાણોમાં જીવ ગુમાવ્યો હતો.
રેમીની સખત મહેનતે સફળતાના દ્વાર ખોલી આપ્યા હતા. તેમણે માત્ર બે પાઉન્ડની મૂડી સાથે પ્રથમ બિઝનેસ શરુ કર્યો હતો. તેમની માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની સન માર્કની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી અને આજે તે ૧૩૦ દેશમાં સફળ બિઝનેસ કરે છે. કંપનીએ સતત પાંચ ક્વીન્સ એવોર્ડ્સ ફોર એન્ટરપ્રાઈઝ ઈન ઈન્ટરનેશનલ ટ્રેડ મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. બ્રિટનમાં હજુ કોઈ કંપની આવું સન્માન મેળવી શકી નથી. મહારાણીએ રેમીને ૨૦૦૫માં MBE અને ૨૦૧૬માં CBE ઈલકાબોની નવાજેશ કરી હતી.
વિશ્વના દરેક ખૂણેથી ગ્રાહકોએ રેમીના કાર્યોને બિરદાવવા સાથે તેમની લોકપ્રિયતા વધતી રહી છે. કોમ્યુનિટી અગ્રણીઓ, બિઝનેસ માંધાતાઓ, પાર્લામેન્ટના બંને ગૃહના સભ્યો, સેક્રેટરીઝ ઓફ સ્ટેટ અને મિનિસ્ટર્સ સહિત વિવિધ ક્ષેત્રોના લોકો તેમને આ દિવસે વધામણી આપવા આવી પહોંચ્યા હતા. પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે, પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન દ્વારા જન્મદિનના સંદેશા પણ મોકલવામાં આવ્યા હતા.
સેક્રેટરી ઓફ સ્ટેટ સાજિદ જાવિદ અને ડેવિડ ગોકેએ યુકે બિઝનેસીસને વિશ્વભરમાં આગળ વધારવા, વિવિધ સંગઠનો મારફત કોમ્યુનિટીને નોંધપાત્ર પ્રદાન તેમજ વર્ષો દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીને આપેલા સપોર્ટની સરાહના કરી હતી. સન માર્ક કંપનીએ ગ્રીનફર્ડ, તેની આસપાસના વિસ્તારોની રોનક બદલવા સાથે સમગ્ર યુકેમાં નોકરી અને સમૃદ્ધિમાં વધારો કર્યો હોવાનું સ્થાનિક સાંસદ સ્ટીવ પાઉન્ડે જણાવ્યું હતું.
ભારતીય મૂળના પ્રથમ ઉમરાવ લોર્ડ સ્વરાજ પોલે યુકે અને વિશ્વમાં રેમીના મહાન કાર્યો અને પ્રદાન વિશે ગૌરવ વ્યક્ત કરી જણાવ્યું હતું કે તેઓ રેમીને ઉમરાવપદ મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોર્ડ બિલિમોરિયાએ રેમીની મિત્રતાને મૂલ્યવાન ગણાવતા કહ્યું હતું કે રેમીની સખત મહેનત અને પ્રતિબદ્ધતા તેમજ યુકેમાં સકારાત્મક પરિવર્તના તેમના ફાળાને બિરદાવ્યો હતો.
વિશ્વમાં સૌથી સફળ બિઝનેસમેનોમાં એક અને યુકેમાં સૌથી ધનવાન વ્યક્તિ ગોપીચંદ હિન્દુજાએ રેમીની સખત મહેનત, સમર્પણ અને દૃઢતાને બિરદાવી આગામી વર્ષોમાં પણ રેમીની સફળતા અને સિદ્ધિઓ સતત વધતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
મહેમાનોની શુભેચ્છા અને સ્નેહાળ શબ્દોનો પ્રતિભાવ આપતા રેમીએ પોતાની સંઘર્ષપૂર્ણ જીવનયાત્રા, પિતાની હત્યા પછી આઠ બાળકોને ઉછેરવામાં માતાએ આપેલા બલિદાનોની વાત કરી હતી. પોતાની સફળતા માટે પત્ની રેણુના સાથ અને દિશાદર્શન, પુત્રીઓ રીના, અમીતા અને સબીનાના પ્રેમ, જમાઈ અને સન માર્કના સીઈઓ સનીના સહકારને કારણભૂત ગણાવ્યા હતા. તેમણે પરિવાર, મિત્રો, સ્ટાફ તેમજ તમામ ગ્રાહકો અને સપ્લાયરોનો પણ વિશેષ આભાર માન્યો હતો.