લંડનઃ કૌટુંબિક પ્રોપર્ટીના વિવાદને ઉકેલવામાં પક્ષપાતી વલણ અપનાવવા માટે અગ્રણી વકીલ અને લંડનની પમ્પ કોર્ટ ટેક્સ ચેમ્બર્સના પૂર્વ વડા એન્ડ્રયુ થોર્નહિલ QC સામે ૫,૦૦,૦૦૦ પાઉન્ડની લાંચ લીધાનો આરોપ છે. જોકે, થોર્નહિલે આક્ષેપો નકાર્યા હતા.
આરોપ મુકનાર જોસેફ એકરમેન થોર્નહિલના છૂટકારાના હાઈકોર્ટના ચુકાદાને પડકારવા માગે છે. એકરમેને જણાવ્યું હતું કે વિવાદ ઉકેલવા સ્વતંત્ર નિષ્ણાત તરીકે નિમણુક કરાયા છતાં તેમણે કેસના અન્ય પક્ષકાર પાસેથી ડિસેમ્બર ૨૦૦૮માં આ રકમ લીધી હતી. એકરમેન ફેમિલી સાથે સંકળાયેલા ચેરિટી રેલે લિમિટેડ દ્વારા રકમ ચુકવાયાનો આક્ષેપ છે. લોન તરીકે દર્શાવાયેલી આ રકમ સાત વર્ષ પછી પણ પરત ચુકવાઈ ન હોવાનું ચેરિટી કમિશનની તપાસમાં બહાર આવ્યું હતું. કેસ હજુ ચાલી રહ્યો છે.