લંડનઃ મેયર સાદિક ખાને ચૂંટણી દરમિયાન નવા ૫૦ ટકા એફોર્ડેબલ હાઉસીસના મુદ્દે આપેલા વચનમાંથી પીછેહઠ કરી હોવાનો આક્ષેપ લંડન એસેમ્બલીના ટોરી હાઉસિંગ પ્રવક્તા એન્ડ્રયુ બોફે કર્યો છે. મેયરના હાઉસિંગ ડેપ્યુટી જેમ્સ મરે દ્વારા જાહેર નવી પ્લાનિંગ ગાઈડન્સમાં બિલ્ડર્સની નવી સ્કીમ્સમાં ૩૫ ટકા એફોર્ડેબલ હાઉસીસ હશે તો પણ તેમને ધ્યાનમાં લેવાશે તેમ જણાવાયું હતું.
સાદિક ખાને ચૂંટણીના વચનોમાંથી પીછેહઠ કર્યાના આક્ષેપો ફગાવી દીધા હતા. મેયર ઓટમ સ્ટેટમેન્ટમાં જાહેર કરાયેલા નવા ૯૦,૦૦૦ એફોર્ડેબલ હોમ્સ માટે ૩.૧૫ બિલિયન પાઉન્ડ કેવી રીતે વાપરશેની વિગતો અને નવા પ્લાનિંગ ગાઈડન્સની જાહેરાત અગાઉ જ આ વિવાદ સર્જાયો હતો. આ પછી, મરેએ સ્પષ્ટતા કરી હતી કે મે મહિનામાં લેબર પાર્ટીના વિજય પછીના છ મહિનામાં પ્લાનિંગ અરજીઓમાં એફોર્ડેબલ હાઉસીસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો જ છે. ખાનના વહીવટમાં ૧૦ મુખ્ય હાઉસિંગ સ્કીમ્સમાં ૪૧.૫ ટકાન મકાન એફોર્ડેબલ છે, જ્યારે ટોરી બોરિસ જ્હોન્સનની બીજી મુદત દરમિયાન ૨૦૧૪-૧૫માં મંજૂર કરાયેલા એફોર્ડેબલ હાઉસીસ સરેરાશ ૧૩ ટકા જ હતા.
નવા ૯૦,૦૦૦માંથી ૬૦,૦૦૦ મકાન લંડન લિવિંગ રેન્ટ સ્કીમના હશે, જેમાં સરેરાશ સ્થાનિક પરિવારની આવકના ત્રીજા ભાગ જેટલું ભાડું રખાશે. જ્યારે ૨૯,૦૦૦ મકાન કાઉન્સિલ્સ માટે હશે. ‘એફોર્ડેબલ રેન્ટ’ હાઉસિંગનો બેન્ચમાર્ક બે બેડના ઘર માટે સાપ્તાહિક ૧૫૩ પાઉન્ડનો રહેશે.