ભારતની નેશનલ કેરિયર એર ઇન્ડિયા દ્વારા લંડન હીથરો ખાતેથી તમામ ફ્લાઇટો હવે 'ક્વીન્સ ટર્મિનલ' તરીકે અોળખાતા અને સુખ સુવિધાઅોથી ભરપૂર ટર્મિનલ ટુ પરથી ઉપડશે અને ઉતરશે. હીથરો ટર્મિનલ ટુ સ્ટાર એલાયન્સ તરીકે અોળખાતી પ્રતિષ્ઠીત એરલાઇન્સ માટેનું ઘર છે અને એર ઇન્ડિયાનો પણ તેમાં ઉમેરો થયો છે. હવે એર ઇન્ડિયાના મુસાફરોને સ્ટાર એલાયન્સના મુસાફરોને મળતી તમામ સુવિધાઅોનો લાભ મળશે. તા. ૨૫ના રોજ હીથરો ટર્મિનલ ટુના ઝોન ડી ખાતે તમામ મુસાફરોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું અને સાંજે એર ઇન્ડિયા સાથે સંકળાયેલા ટ્રાવેલ એજન્ટ્સ, હીથરો ટર્મિનલ ટુ તેમજ સ્ટાર એલાયન્સના અગ્રણીઅો માટે ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરાયું હતું.
એર ઇન્ડિયા દ્વારા ૨૦૧૪માં સ્ટાર એલાયન્સ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું અને આ પ્રતિષ્ઠીત જોડાણ માટે એર ઇન્ડિયા દ્વારા ટર્મિનલ ફોર પરથી ટર્મિનલ-ટુ પર સ્થળાંતર માટે ખૂબજ જહેમત ઉઠાવવામાં આવી હતી. બધી જરૂરિયાતો પૂર્ણ થયા બાદ તા. ૨૫મી જાન્યુઆરી ૨૦૧૭થી એર ઇન્ડિયાનું તમામ કામકાજ ટર્મિનલ ટુ પર શરૂ કરાયું હતું. હવેથી એર ઇન્ડિયા દ્વારા પ્રવાસ કરનાર તમામ મુસાફરોએ ટર્મિનલ – ટુની ડીપાર્ચર લેવલ પર ઝોન ડી ખાતે જવાનું રહેશે.
એર ઇન્ડિયા, ટર્મિનલ ટુ પર જવાથી મુસાફરોને સ્ટાર એલાયન્સ સાથે સંકળાયેલી વિશ્વની પ્રસિધ્ધ એરલાઇન સાથે કનેક્ટીવીટી મળશે અને મુસાફરોનો ફ્લાઇટ બદલવાનો સમય બચી જશે અને આરામ મળશે. આટલું જ નહિં લંડનથી વિદેશ જતા-આવતા અને વિદેશ જવા ફ્લાઇટ બદલતા મુસાફરોને ખૂબજ સરસ સગવડો મળશે.
હીથરો એરપોર્ટના સૌથી નવા અને ૨૦૧૪માં જ બંધાયેલા આ ટર્મિનલ ટુ પર વિવિધ એરલાઇનમાં ચેક ઇન કરવા માટેના અોટોમેટડ કિઅોસ્ક મૂકવામાં આવ્યા છે. જેનાથી સ્ટાર એલાયન્સની વિવિધ એરલાઇન્સ સાથેનું જોડાણ આસાન બની જાય છે. ટર્મિનલ ટુને વિશ્વના સૌથી બેસ્ટ એરપોર્ટ ટર્મિનલનો એવોર્ડ મળી ચૂક્યો છે અને ગત વર્ષે સ્કાયટ્રેક્ષ દ્વારા યુરોપના બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ મળ્યો હતો.
હીથરો એરપોર્ટના એરલાઇન બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર સાયમન ઇસ્ટબર્ને જણાવ્યું હતું કે " ટર્મિનલ ટુ પર સ્ટાર એલાયન્સ સાથે જોડાણ કરવા બાદલ એર ઇન્ડિયાનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. હીથરોના સૌથી નવા ટર્મિનલ – ક્વીન્સ ટર્મિનલ પર સૌ મુસાફરો અમારી નવી સેવાઅો, દુકાનો અને રેસ્ટોરંટ્સની સેવાઅો લઇને આનંદ માણી શકશે.”
સ્ટાર એલાયન્સ યુકેના ચેરમેન જેફરી ગોહે જણાવ્યું હતું કે "એર ઇન્ડિયાના આગમન સાથે સ્ટાર એલાયન્સ સાથે જોડાયેલી તમામ ૨૪ સ્ટાર એલાયન્સ કેરિયર સૌ પ્રથમ વખત હીથરો એરપોર્ટ પર એક છત્ર નીચે આવશે. અમારા સૌ મુસાફરોને આ નવિનત્તમ એરપોર્ટ પરની આધુનિક સગવડોનો તેમની નવી એરલાઇન્સ લોંજનો લાભ મળશે. આ ઉપરાંત ટર્મિનલ ટુ પર ફ્લાઇટ બદલવામાં પણ ખૂબ અોછો સમય લાગશે.”
ટર્મિનલ ટુ પર શુભારંભ સમારોહને સંબોધન કરતાં એર ઇન્ડિયાના યુકે અને યુરોપના રીજનલ હેડ સુશ્રી તારા નાયડુએ જણાવ્યું હતું કે "એર ઇન્ડિયા અન્ય સ્ટાર એલાયન્સ સાથે ક્વીન્સ ટર્મિનલ પર જોડાતાં અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. આ માટે ખૂબજ જહેમત ઉઠાવનાર એરપોર્ટ અને સ્ટાર એલાયન્સના કોર ટીમના અધિકારીઅો અને એર ઇન્ડિયાના સ્ટાફ અને અધિકારીઅોનો આભાર માનીએ છીએ. આ સફળતાનો લાભ અમારા સૌ પેસેંજરને મળશે અને તેઅો ટર્મીનલ ટુ પરની અદ્યતન સેવાઅોનો લાભ લઇ શકશે.”
આ પ્રસંગે ટર્મીનલ ટુ પર એર ઇન્ડિયા દ્વારા સૌ મુસાફરોનું ભાવભીનું સ્વાગત કરાયું હતું અને સૌ મુસાફરોને ભારતના પારંપરિક નૃત્યો દ્વારા આવકાર આપ્યો હતો. એજ રીતે સાંજે સેન્ટ્રલ લંડનની હોલીડે ઇન હોટેલ ખાતે ઉત્સવની ઉજવણી કરાઇ હતી. જેમાં ભારતના હાઇ કમિશ્નર શ્રી યશવંત સિન્હા, ડે. હાઇ કમિશ્નર શ્રી દિનેશ પટનાયક, લોર્ડ ડોલર પોપટ, લોર્ડ લુંબા, ટ્રાવેલ એજન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ભારતથી એર ઇન્ડિયાના કોમર્શીયલ - સેલ્સ અને માર્કેટીંગ વિભાગના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર શ્રી પંકજ કુમારે જણાવ્યું હતું કે "અમે સ્ટાર એલાયન્સમાં એક પરિવાર તરીકે જોડાયા છીએ અને અમારા સૌ મુસાફરોને શ્રેષ્ઠ સેવાઅો અને સગવડો મળી રહેશે. ભારતથી અમેરિકા, યુરોપ અને કેનેડાનું મોટું માર્કેટ છે જે માટે અમે કટિબધ્ધ થયા છીએ. સૌએ જે સાથ સહાર આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કરુ છું.”
ભારતથી પધારેલા અને ટર્મીનલ ટુ પર સ્થળાંતર માટે જહેમત ઉઠાવનાર એર ઇન્ડિયાના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ગ્રાઉન્ડ હેન્ડલીંગ શ્રી અોબેરોયએ જણાવ્યું હતું કે "આજે જે સફળતા મળી છે તે માટે અમે બે વર્ષથી મહેનત કરતા હતા. આજે તા. ૨૫ના રોજ પ્રજાસત્તાક દિન પૂર્વે આ સેવાઅો પ્રસ્તુત કરતા અમને આનંદ થાય છે.”
આ પ્રસંગે સ્ટાર એલાયન્સના કસ્ટમર એક્સપીરીયન્સ મેનેજર ક્રિસ્ટન રેગર, હીથરો એરપોર્ટના પ્રતિનિધિ શ્રી રોઝબેગર, લોર્ડ ડોલર પોપટે પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. ગુજરાત સમાચાર દ્વારા તા. ૨૫ના રોજ સવારે ટર્મિનલ ટુ પર વિવિધ મુસાફરોની મુલાકાત લેવાતા સૌએ એર ઇન્ડિયા દ્વારા અપાતી સેવાઅોની સરાહના કરી એર ઇન્ડિયા દ્વારા મુસાફરોના લાભ માટે જે પગલા લેવાઇ રહ્યા છે તેને આવકાર આપ્યો હતો અને અમદાવાદ લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.