લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે એલીસબરી ચાઈલ્ડ સેક્સ રિંગના છ એશિયન અપરાધીને કુલ ૮૨ વર્ષથી વધુ જેલની સજા ફરમાવી છે. ઓલ્ડ બેઈલી જ્યુરીએ જુલાઈમાં વિક્રમસિંહ, આસિફ હુસૈન, અરશાદ જાની, મોહમ્મદ ઈમરાન, અકબરી ખાન અને તૈમુર ખાનને વર્ષ ૨૦૦૬થી ૨૦૧૨ના ગાળામાં બે સગીર બાળા પર બળાત્કાર, બાળ વેશ્યાગીરી સહિત વિવિધ ગુનામાં દોષિત ઠરાવ્યા હતા. આરોપીઓએ બાળાઓને આલ્કોહોલ, ડીવીડી, ભોજન અને અવારનવાર ડ્રગ્સની લાલચથી વશમાં કરી હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું.
માત્ર ૧૨ વર્ષની એક બાળાને ૬૦ જેટલા એશિયન પુરુષો સાથે સેક્સ માટે સમજાવાઈ હતી. આ બાળાઓ એવી ટેવાઈ ગઈ હતી કે આ પ્રકારના સેક્સને સામાન્ય વર્તણૂક સમજવા લાગી હતી. છ એશિયન આરોપીઓ વિરુદ્ધ મોટા ભાગના આરોપો આ બાળા સંબંધિત હતા, જ્યારે ત્રણ આરોપ અન્ય બાળા સંબંધિત હતા.
કોર્ટે એલીસબરીના ૪૫ વર્ષીય વિક્રમસિંહને ૧૭ વર્ષ અને છ મહિના, મિલ્ટન કીન્સના ૩૩ વર્ષીય આસિફ હુસૈનને ૧૩ વર્ષ અને છ મહિના, એલીસબરીના ૩૩ વર્ષીય અરશાદ જાનીને ૧૩ વર્ષ, બ્રેડફર્ડના ૩૮ વર્ષીય મોહમ્મદ ઈમરાનને ૧૯ વર્ષ અને છ મહિના, એલીસબરીના ૩૩ વર્ષીય અકબરી ખાનને ૧૯ વર્ષ તેમ જ એલીસબરીના ૨૯ વર્ષીય તૈમુર ખાનને ત્રણ વર્ષના જેલવાસની સજા ફટકારી હતી.