લંડનઃ હજારો એશિયન ઉદ્યોગસાહસિકોને ઘંધો શરૂ કરવા લોનની સરકારી યોજનામાં નવા એલાવન્સ ફંડની જાહેરાત લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીએ કરી છે. ગત સંસદકાળમાં પૂર્વ લિબ ડેમ બિઝનેસ સેક્રેટરી સર વિન્સ કેબલ દ્વારા ચાલુ કરાયેલી આ યોજનાના કુલ લાભાર્થીમાં ત્રીજો હિસ્સો વંશીય લઘુમતીઓનો હતો.
બોર્નમાઉથમાં પક્ષની ઓટમ કોન્ફરન્સમાં પાર્ટી લીડર ટિમ ફેરોને જણાવ્યું હતું કે એન્ત્રેપ્રીન્યોર્સ નવો બિઝનેસ સ્થાપે તેના છ મહિના સુધી દર સપ્તાહે £૧૦૦ જેટલું સ્ટાર્ટ-અપ એલાવન્સ આપીને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટી નવા લઘુ ઉદ્યોગોને ટેકો વધારશે. સ્ટાર્ટ-અપ લોન સ્કીમમાંથી ભંડોળ મેળવી નવો બિઝનેસ સ્થાપનાર કોઈ પણ સ્ટાર્ટ-અપ એલાવન્સ મેળવવા લાયક ગણાશે. ‘લેબર પાર્ટી ઉદ્યોગોને સરકારી સહાય બંધ કરવા માગે છે અને ટોરી પાર્ટી મોટા કોર્પોરેશનોને કરકપાત આપવા ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે ત્યારે અમે એન્ત્રેપ્રીન્યોર્સ અને નાના બિઝનેસીસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ’, તેમ ફેરોને જણાવ્યું હતું.