લંડનઃ એશિયન મૂળના ૩૫ વર્ષીય ડ્રાઈવર અદીલ રહેમાનને એક વર્ષમાં ૧૭ વખત માર્ગમાં રોકી પૂછપરછ અને તપાસ કરવાના મામલે સ્ટેફર્ડશાયર પોલીસ સામે તપાસ આરંભાઈ છે. રહેમાને તેની પૂછપરછને વંશીય ભેદભાવ આધારિત અને હેરાનગતિ ગણાવીને પોલીસ ફોર્સ અને ઈન્ડિપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેઈન્ટ્સ કમિશનમાં ફરિયાદ કરી હતી.
સ્ટોક-ઓન-ટ્રેન્ટના રહેવાસી રહેમાને પોલીસ વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની અનેક વખત પૂછપરછ અને તપાસો કરવામાં આવી હતી પરંતુ તે પછી કોઈ કાર્યવાહી કરાઈ નથી. એક વર્ષમાં તેને પૂછપરછ અને તપાસ માટે ૧૭ વખત અટકાવાયો હતો. સૌ પ્રથમ જાન્યુઆરી ૨૦૧૬માં તે ડ્રગ્સની હેરફેર કરતો હોવાનો દાવો કરી પોલીસે તેને રોક્યો હતો. છેલ્લી ઘટના ક્રિસમસ પછીની હતી, જેમાં ફાયરઆર્મ્સ તપાસના ભાગરૂપે સશસ્ત્ર પોલીસે તેને માર્ગમાં અટકાવ્યો હતો. જોકે, તેના વાહનમાં કશું મળ્યું ન હતું.
કમિશને જણાવ્યું છે કે તેઓ આ ફરિયાદની સંપૂર્ણ તપાસ કરશે.