લંડનઃ વેસ્ટ યોર્કશાયરના લીડ્સમાં ૧૮ વર્ષીય એશિયન તરુણી પર બળાત્કારની ઘટનાને પોલીસ હવે હત્યાના પ્રયાસ તરીકે ગણવા લાગી છે. આ તરુણી પર બળાત્કાર પછી તેને ગંભીર ઈજા સાથે લગભગ મૃત અને લોહીભીની હાલતમાં બસસ્ટોપ પાસે છોડી દેવાઈ હતી. શુક્રવારે રાત્રે આ યુવતી પર હુમલો કરનાર પણ એશિયન પુરુષ હોવાનું મનાય છે.
યુવતી પર લાંબો સમય કરાયેલા હુમલાના કારણે તેને માથા અને ચહેરાની ઈજા ઉપરાંત, સાથળનું હાડકુ તૂટ્યાની પણ શંકા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસના ડીટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર (DCI) એલિઝાબેથ બેલ્ટને હુમલા સમયે માર્ગ પર ચહલપહલ પણ હોવાથી સંભવિત હુમલાખોર વિશે માહિતી આપવા લોકોને અનુરોધ કર્યો હતો. DCIએ કહ્યું હતું કે આ ગુનાથી કોમ્યુનિટીમાં ભારે આઘાત ફેલાયો છે.