લંડનઃ વેસ્ટ યોર્કશાયરના બાળ યૌનશોષણખોર જમાલ મુહમ્મદ રહીમ ઉલ નાસીરને અપાયેલી સાત વર્ષની સખત સજાને લંડનની ક્રિમિનલ અપીલ કોર્ટના જસ્ટિસ વોકરે યોગ્ય ગણાવી હતી. વ્હાઈટ યૌનશોષણ પીડિતોની સરખામણીએ એશિયન પીડિતોને વધુ સહન કરવું પડતું હોવાથી લાંબી સજા યોગ્ય જ ગણાય તેમ કહેતા જસ્ટિસે લીડ્ઝ ક્રાઉન કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. નાસિરે ૧૩ વર્ષથી નાની વયની બે એશિયન બાળાઓનું યૌનશોષણ કર્યું હતું.
જોકે, આ ચુકાદા સામે એવી પણ દલીલ કરાઈ છે કે વ્હાઈટ છોકરીઓને જાતીય હુમલાઓ સંબંધે અસુરક્ષિત બનાવી દેવાઈ છે. બાળકોની ચેરિટી સંસ્થાઓ અને સાંસદોએ ચુકાદાની ભારે ટીકા કરી હતી. NSPCCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘બ્રિટિશ ન્યાય તમામ સાટે સમાન રહેવો જોઈએ અને વંશીયતા, ધર્મ કે લિંગના ભેદભાવને ધ્યાનમાં રાખ્યા વિના દરેક બાળકને જાતીય શોષણ સામે રક્ષણનો અધિકાર છે, જેને અદાલતોએ દર્શાવવું જોઈએ. આવા ઘૃણિત અપરાધ કરનારને કાયદાની સંપૂર્ણ મર્યાદામાં સજા કરાવી જ જોઈએ.’ કેટલાક ટીકામાં જણાવ્યું હતું કે આ ચુકાદાથી વ્હાઈટ છોકરીઓને નિસાન બનાવવી સારી કહેશે તેવો ખોટો સંદેશો જઈ શકે છે. જોકે, જજોને માર્ગદર્શન આપતી સેન્ટન્સિંગ કાઉન્સિલે દાવો કર્યો હતો કે પીડિતો પરની અસર ધ્યાનમાં લેવાઈ હોવાથી ચુકાદો તેની ગાઈડલાઈન્સ સાથે સુસંગત છે.
લીડ્ઝ ક્રાઉન કોર્ટના જજ સેલી કાહિલ QC એ ગત ડિસેમ્બરમાં જેલની સજા સંભળાવતા સ્પષ્ટ કર્યું હતું કે આ સજામાં ગુનાનો શિકાર બનેલી બાળાઓ એશિયન હોવાની હકીકતે મોટો ભાગ ભજવ્યો છે. બાળાઓ સાથે જે થયું તેના કારણે બાળાઓ અને તેમના પરિવારોએ તેમના સમાજમાં આબરુ ગુમાવી હતી. ભવિષ્યમાં બાળાઓનાં લગ્નની તકોને પણ નુકસાન થવાનો સંભવ છે.
લોર્ડ જસ્ટિસ લોઝ અને મિ. જસ્ટિસ મિટિંગ સાથેની બેન્ચમાં જસ્ટિસ વોકરે કહ્યું હતું કે ઉલ નાસિરને તેના વંશીય અને ધાર્મિક મૂળના કારણે લાંબી સજા અપાયાનો વિચાર તદ્દન ખોટો છે. આથી સજા વિરુદ્ધની અપીલ નકારવી જ જોઈએ. નાસિરના વકીલોએ દલીલ કરી હતી કે તેને ખોટી રીતે લાંબી સજા અપાઈ છે.