એશિયન મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો વિશે સાવધ રહેવા અનુરોધ

Monday 20th July 2015 05:02 EDT
 
 

લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ‘બી ક્લીઅર ઓન કેન્સર’ અભિયાનને સમર્થન આપતાં એશિયન વિમેન ઓફ એચીવમેન્ટ એવોર્ડના સ્થાપક પિન્કી લીલાણી અને જર્નાલિસ્ટ-લેખિકા યાસ્મિન અલીભાઈ-બ્રાઉને ૭૦થી વધુ વયની એશિયન મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના નહિ દેખાતા લક્ષણો અંગે સાવધાની રાખવા અનુરોધ કર્યો છે. દર વર્ષે ૭૦ અને તેથી વધુ વયની આશરે ૧૩,૪૦૦ મહિલાને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન કરાય છે, જે બ્રેસ્ટ કેન્સરના તમામ કેસીસનો ત્રીજો હિસ્સો છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે ૪૧,૨૦૦ મહિલાને સ્તન કેન્સરનું નિદાન થાય છે અને દેશમાં દર વર્ષે ૯,૫૦૦ મહિલાનું તેના કારણે મોત થાય છે.

કેન્સર ઈક્વલિટી‘સ એથનિક માઈનોરિટી કેન્સર એવેરનેસ મન્થની સાથોસાથ અભિયાન આ વયજૂથના સભ્યોમાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ વધારવા અને તેના ઓછાં જાણીતાં લક્ષણોના જોખમો વિશે માહિતગાર કરવાનો હેતુ ધરાવે છે. પિન્કી લીલાણી CBE DLએ જણાવ્યું હતું કે,‘વૃદ્ધ એશિયન મહિલાઓમાં સ્તન કેન્સરની ચર્ચા વિશે શરમ અને ક્ષોભ હોય છે, પરંતુ આપણે તેના જોખમો અને લક્ષણો વિશે જાણવું જ જોઈએ. જો સ્તનના કદ, આકાર, ત્વચા અથવા નિપલમાં કોઈ બદલાવ જણાય તો તત્કાળ જીપીને જણાવવું જોઈએ.’

યાસ્મિન અલીભાઈ-બ્રાઉને કહ્યું હતું કે,‘જો તમે ૭૦થી વધુ વયના હોય તો સ્તન કેન્સર નહિ જ થાય કે ઉંમરના લીધે આમ થતું હોવાની ધારણા રાખવી ન જોઈએ. એશિયન સ્ત્રીઓ તરીકે આ વયજૂથમાં ત્રણમાંથી એક મહિલા બ્રેસ્ટ કેન્સરનો શિકાર થતી હોવાનું ભૂલવું નહિ અને ડોક્ટરને કહેવામાં ગભરાવું ન જોઈએ. યુવાન એશિયન મહિલાઓને તેમના પરિવારની વૃદ્ધાઓ સાથે વાતચીત કરી રોગનું વેળાસર નિદાન થાય તેમાં મદદરુપ બનવા મારી અપીલ છે.’ બ્રેસ્ટ કેન્સરની વધુ માહિતી અને લક્ષણો માટે nhs.uk/breastcancer70 ની મુલાકાત લઈ શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter