લંડનઃ યુકેસ્થિત એશિયન માઈગ્રન્ટ્સ પોતાને બ્રિટનના ભાવિ ‘વિન્ડરશ’ કૌભાંડના શિકાર હોવાનું જણાવી રહ્યા છે કારણકે ઘણા એશિયન માઈગ્રન્ટ્સ હોમ ઓપિસ દ્વારા ગેરકાયદે અથવા ખોટી રીતે દેશનિકાલ કરાય તેવી સ્તિતિનો સામનો કરી રહ્યા છે. કેટલાકની સામે ‘Indefinite Leave to Remain (ILR)’ અરજી (જેને ઘણા વર્ષો અગાઉ મંજૂરી અપાઈ છે)માં ટેક્સ સંબંધિત પાયાની ભૂલોનાં લીધે ખોટી જાણકારી આપ્યાનો આક્ષેપ છે, જ્યારે કેટલાક સામે ‘ટેસ્ટ ઓફ ઈંગ્લિશ ફોર ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન’માં છેતરપીંડીનો આક્ષેપ કરાયો છે.
ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં સેંકડો સાઉથ એશિયન માઈગ્રન્ટ્સે તેમના ILR સંબંધિત નિર્ણયોમાં વિલંબ તેમજ તેમના ટેક્સ રિટર્ન્સમાં નજીવી ભૂલોના કારણે ‘નેશનલ સિક્યોરિટીને જોખમરુપ’ હોવાની ભૂમિકાથી વિઝાના ઈનકારના વિરોધમાં વિશાળ દેખાવો કર્યા હતા. ૨૩,૦૦૦થી વધુ લોકોએ નવનિયુક્ત હોમ સેક્રેટરી સાજિદ જાવિદ, વડા પ્રધાન થેરેસા મે, લેબર પાર્ટી અને વિપક્ષના નેતા જેરેમી કોર્બીનને પાઠવેલી પિટિશનમાં ‘કાયદેસર’ ઈમિગ્રન્ટ્સ સામે ‘દુશ્મનાનટના વાતાવરણ’નો અંત લાવવા અનુરોધ કર્યો છે. તાજેતરમાં જ ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં સાઉથ એશિયન માઈગ્રન્ટ્સનું જૂથ વરસતા વરસાદમાં પણ પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે એકત્ર થયું હતું. તેઓએ દુશ્મનાનટનું વાતાવરણ અટકાવો' ,' ટેક્સની ભૂલસુધારણા અપરાધ નથી', 'અમને ન્યાય આપો’ અને હોમ ઓફિસ અમારી સાથે છેતરપીંડી ન કરો' સહિતના પ્લેકાર્ડ્સ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગત છ વર્ષથી આઈટી સેક્ટરમાં કાર્યરત બિઝનેસ ઈન્ટેલિજન્સ ડેવલપર સુમાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘હોમ ઓફિસે ૨૩ મહિના સુધી અરજી દબાવી રાખ્યા પછી હાલમાં જ મારી ILRને નકારી હતી. તેના કારણમાં મારી જાણ બહાર મારા એકાઉન્ટન્ટે કરેલી ટેક્સની એક ભૂલને દર્શાવાઈ હતી. આ પછી મેં ટેક્સની ભૂલ સુધારી લીધી હતી અને બાકીની રકમ ચૂકવી દીધી હતી. મેં મારાં એકાઉન્ટન્ટ અંગે ફરિયાદ પણ કરી હતી, પરંતુ નોંધણી સત્તાવાળાએ કહ્યું હતું કે મારા એકાઉન્ટન્ટનું સભ્યપદનો અંત આવ્યો હોવાથી તેઓ કશું કરી શકે તેમ નથી. હું હોમ ઓફિસના નિર્ણય સામે અપીલ કરી રહી છું.’
ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં ક્વોલિટી એસ્યોરન્સ મેનેજર તરીકે કામ કરનારી નિશાએ અખબારને જણાવ્યું હતું કે,‘હું કંપનીના મુખ્ય પ્રોજેક્ટ્સ સંભાળતી ટીમની ચાવીરુપ સભ્ય હતી. મને વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૧માં ટેક્સ વિસંગતિ માટે મને ૨૦૧૬માં પ્રથમ ILR ઈનકાર મોકલાયો હતો. તેમની કોઈ ભૂલ હશે તેમ વિચારી મારા સોલિસીટરે મને મેં મારો ટેક્સ સમયસર ભર્યો છે અને તમામ પડતર રકમો ચૂકવી હોવાના પુરાવાઓ સાથે ફરી અરજી કરવા સલાહ આપી હતી. મહિનાઓ રાહ જોવડાવ્યાં પછી હોમ ઓફિસે ૨૦૧૦-૧૧ માટે ૨૦૧૩માં કરાયેલી ટેક્સ સુધારણાથી સંતોષ ન હોવાનું જણાવી અરજી ફરી નકારી હતી.’
હોમ ઓફિસે સેક્શન ૩૨૨(૫) અન્વયે નિશાને ‘નેશનલ સિક્યોરિટી માટે જોખમરુપ’ તેમજ તેનું ચારિત્ર્ય યુકેમાં ‘સેટલમેન્ટ વિઝા માટે યોગ્ય’ ન હોવાનું ઠરાવ્યું હતું. નિશાએ જણાવ્યું હતું કે,‘હું ભારે હતાશામાં આવી ગઈ હતી. જોકે, પછી તેમાંથી બહાર આવી લોકો સાથે હળવામળવાનું શરુ કર્યું હતું. મારા સોલિસીટરે આ નિર્ણય કોર્ટમાં પડકારવા સલાહ આપી હતી. મેં કામ કરવાનો હક ગુમાવ્યો હોવાથી મારાં મિત્રો અને પરિવાર મને સપોર્ટ કરતા હતા. આ દેશમાં અસ્તિત્વ જાળવવા મેં મારી તમામ સંપત્તિ અને સોનું વેચી નાંખ્યા છે.’ તેણે ઉમેર્યું હતું કે,‘લોકો મને પૂછે છે કે હું યુકેમાં રહેવા માટે સા માટે આટલી જીદ્દી અને મક્કમ છું. મારો જવાબ છે કે મેં અહીં મારાં જીવનના ૧૦ વર્ષ વીતાવ્યા છે, અન્ય લોકોની માફક સમાજને મારો ફાળો આપ્યો છે અને કાયદાપરસ્ત વ્યક્તિ છું. આથી, હું અહીં છું અને મારાં ન્યાય માટે ઝઝૂમું છું.’
આ દેખાવો અને અભિયાનના મુખ્ય આયોજકોમાં એક અદિતિ ભારદ્વાજે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘અહીં અભિયાન ચલાવી રહેલા માઈગ્રન્ટ્સને સેક્શન ૩૨૨(૫) અન્વયે વસવાટનો ઈનકાર કરાયો છે. આ કલમ શરુઆતમાં આતંકવાદીઓ, જોખમી અપરાધીઓ અને બળાત્કારીઓ માટે હતી. નજીવી ટેક્સ સુધારણા કરનારા લોકોને અટકળોનાં આધારે આતંકવાદીઓની સાથે એક જ સપાટીએ મૂક્વાં યોગ્ય નથી. મોટા ભાગના લોકોના બાળકો શાળામાં અભ્યાસ કરે છે. તેમના અપીલના અધિકારો છિનવી લેવાયા છે. તેમણે જ્યુડિશિયલ રીવ્યૂનો માર્ગ લેવો પડશે, જે ભારે ખર્ચાળ છે. તેમની પાસે કામ કરવાનો કે ભાડે રહેવાના અધિકાર નથી ત્યારે નિભાવ કરવો મુશ્કેલ છે. હોમ ઓફિસે તેમની અરજી ૧૨ મહિનાથી વધુ અને ઘણા કિસ્સામાં ૨૪ મહિના સુધી દબાવી રાખી છે. હવે તેમને બે વર્ષ સુધી કોર્ટમાં જવાનું થાય ત્યારે કામકાજના અધિકાર, અથવા અપીલ અથવા ન્યાય વિના કોઈ વ્યક્તિ યુકેમાં ચાર વર્ષ કેવી રીતે વિતાવી શકશે?’
આઈટી અને મેડિકલ પ્રોફેશનલ્સ સહિતના આ માઈગ્રન્ટ્સ ગ્રૂપે હોમ ઓફિસ દ્વારા વિવાદી સેક્શન ૩૨૨(૫)ના ઉપયોગને કોર્ટ્સમાં પડકારવા ૪૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યાનું કહેવાય છે. આ માઈગ્રન્ટ્સમાં પાકિસ્તાનના સૌથી ધનવાન પરિવારોમાં એકના વારસદાર સલીમ દાદાભોયનો સમાવેશ થાય છે. ત્રણ અલગ અપીલ કોર્ટ્સ દ્વારા તેમના હિસાબો ચકાસાયા છે અને તેમાં કશું વાંધાજનક ન હોવાના ચુકાદા અપાયા છે. કોર્ટ ઓફ અપીલના જજે તેમને ભરોસાપાત્ર અને વિશ્વસનીય ગણાવ્યા હતા. હવે તેઓ દેશનિકાલ થવાનો સામનો કરી રહ્યા છે. તેઓ દેશપાર કરાશે તો ૧.૫ મિલિયન પાઉન્ડની બ્રિટિશ કંપની બંધ થઈ જશે અને ૨૦ બ્રિટિશ નાગરિકો નોકરી ગુમાવશે.
ધ ટાઈમ્સના અહેવાલના દાવા અનુસાર ગેરકાયદે માઈગ્રન્ટ્સને દૂર કરવા માટે હોમ ઓફિસના વરિષ્ઠ અધિકારીને ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીનું બોનસ મળ્યુ છે. કોમન્સની ચર્ચા દરમિયાન હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના લેબર ચેરવૂમન ઈવેટ કૂપરે આવો દાવો કર્યો હતો. ઈમિગ્રેશન મિનિસ્ટર કેરોલિન કોક્સે આ દાવામાં તપાસનું વચન આપ્યું છે.