લંડનઃ બીજી નવેમ્બર ગુરુવારની સાંજે નોર્થ લંડનના વોલ્ધેમસ્ટોમાં ડિલિવરી કરીને જઈ રહેલા ૩૨ વર્ષીય ડ્રાઈવર મુહમ્મદ નૌશાદ કમાલનું મોપેડ ચોરી કરવાના પ્રયાસમાં બે હુમલાખોરોએ તેના પર એસિડથી હુમલો કર્યો હતો. આ હુમલા સંદર્ભે ૧૪ અને ૧૬ વર્ષના બે કિશોરની શંકાના આધારે ધરપકડ કરાઈ હતી. કમાલની બંને આંખને નુકસાન થતા તેને મદદ કરવા ઉદાર હાથે દાનનો ફાળો આપવા લોકો આગળ આવ્યા હતા.
આઠ વર્ષથી બ્રિટનમાં રહેતા કમાલે બે હુમલાખોરને તેના મોપેડની ચાવી આપવા ઈનકાર કરતા તેના ચહેરા અને છાતી પર જલદ પ્રવાહી છાંટવામાં આવ્યું હતું. બે કિશોર હુમલાખોર તે જ દિવસે લૂંટના અન્ય પ્રયાસ સાથે સંકળાયા હોવાનું સ્કોટલેન્ડ યાર્ડ માને છે. બીજા ડિલિવરી ડ્રાઈવર પર પણ આવો હુમલો કરાયો હતો.
નજમા ભાટીએ શનિવારે જસ્ટગીવિંગ પર ઓનલાઈન ફંડરેઈઝિંગ પેજ લોન્ચ કર્યું હતું. બંને આખે દૃષ્ટિ ગુમાવવાના જોખમ સાથે કમાલની સારવાર અને તેના પરિવારને મદદ કરવા લોકોએ ૭૨૦૦ પાઉન્ડનો ફાળો એકત્ર કર્યો હતો. દાતાઓએ મુહમ્મદ કમાલને ઉષ્માસભર સંદેશા પણ પાઠવ્યા હતા. પોલીસ વિભાગે આ હુમલા સંબંધે માહિતી આપવા લોકોને અપીલ કરી હતી.