લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં આંગ સાન સુ કીનું એક પોર્ટ્રેઈટ હટાવી લીધું છે. મ્યાંમારના વર્તમાન પ્રમુખ આંગ સાન સુ કીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે. તેમની સામાજિક કાર્યકર્તા તરીકેની છબી અને અહિંસા મુદ્દે પ્રચારની સરાહના કરવા યુનિવર્સિટીએ મુખ્ય પ્રવેશદ્વાર નજીક જ સુ કીનું પોર્ટ્રેઈટ લગાવ્યું હતું, જેને હટાવી લેવામાં આવ્યું છે.
મ્યાંમાર સૈન્ય બળજબરીથી તેના દેશમાં વસતા રોહિંગ્યા મુસ્લિમોને કાઢી મુકવા માટે ઓપરેશન ચલાવી રહ્યું છે અને સંખ્યાબંધ લોકો પર અત્યાચાર કર્યાના આરોપો પણ લગાવાઇ રહ્યા છે. બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ પણ જણાવ્યું હતું કે આ પ્રકારનું વલણ યોગ્ય નથી, સુ કીએ તાત્કાલિક સૈન્ય ઓપરેશન બંધ કરવું જ પડશે. વિશ્વભરના નેતાઓને પણ લાગી રહ્યું છે કે સુ કી મ્યાંમારમાં સત્તા મળી ગયા પછી બદલાઇ ગયા છે અને લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીએ હટાવેલું ચિત્ર આર્ટિસ્ટ ચેન યન્નીંગે ૧૯૯૭માં બનાવ્યું હતું. તેને હવે સ્ટોરેજમાં પડેલા કાઢી નાખેલા સામાન સાથે રખાયું છે.