લંડનઃ પોલીસે રોચેસ્ટર કેન્ટમાં રહેતા અલી હસન તરીકે ઓળખાતા ૨૬ વર્ષીય મુસ્લિમ શખ્સ લુઈસ લડલોવની ધરપકડ કરીને લંડનમાં મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. તેણે ગુનો કબુલ્યા બાદ પોલીસને જણાવ્યું હતું કે તેનો ટાર્ગેટ ૧૦૦થી વધુ લોકોની હત્યા કરવાનો હતો.
તેની યોજના મોટું વાહન ભાડે લઈને સપ્તાહના સૌથી ભીડવાળા દિવસે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર હુમલો કરવાની તથા સેન્ટ પોલ કેથેડ્રલ અને મેડમ તુસાદ વેક્સ મ્યૂઝિયમની આસપાસના લોકોને નિશાન બનાવવાની હતી. ઓલ્ડ બેલી કોર્ટે દોષિત ઠેરવેલા લુઈસને ૨જી નવેમ્બરે સજા સંભળાવાશે.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)એ જણાવ્યું હતું કે તે પોતાને ઇસ્લામિક સ્ટેટનો બ્રિટનસ્થિત સૈનિક સમજતો હતો. આ મામલે તેની વિરુદ્ધ ચાલતા કેસમાં તેને ગુનેગાર પણ ઠેરવાયો હતો. તે આઇએસ માટે સોશિયલ મીડિયા પર નાણા પણ એકઠા કરી રહ્યો હતો. લુઈસના ઘરની બાજુમાંથી મળેલા મોબાઇલમાંથી પ્રાપ્ત ફોટોગ્રાફ્સમાં તે આઇએસ સાથે જોડાયો તેના શપથની લેખિત કોપી પણ છે.
એક વીડિયોમાં લુઈસે પોતાને ‘ધ ઇગલ’ ગણાવ્યો હતો અને જે લોકો ઇસ્લામમાં નથી માનતા તેમના પ્રત્યે નફરતભર્યા શબ્દો બોલતો હતો. લુઈસ જે વિસ્તારમાં હુમલો કરવાનો હતો ત્યાંની હોટેલમાં રહેવાનો ખર્ચ અને ટ્રક કે વાન ભાડે રાખવાના ખર્ચની પણ તેણે પૂછપરછ કરી લીધી હતી.