લંડનઃ ઓક્સફર્ડ સ્ટ્રીટ પર બ્લેક ફ્રાઈડેના દિવસે આતંકી હુમલાની સંભાવનાને લીધે સશસ્ત્ર પોલીસે સ્ટ્રીટ ખાલી કરાવતા શોપર્સ અને નાગરિકોએ ભયના માર્યા દોડાદોડી કરી મૂકી હતી. સલામત સ્થળે જવા માટે લોકોની ભારે ભીડ સ્ટેશન પર એકત્ર થઈ હતી. ત્યાં થયેલી ધક્કામુક્કીમાં ૧૬ લોકો ઘવાયા હતા. પાછળથી પોલીસે કોઈ હુમલો ન થયો હોવાનું જણાવ્યું હતું. જોકે, સ્ટેશન પર બનેલી બોલાચાલીની ઘટનામાં સંડોવાયેલા બે વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે.
ગઈ ૨૪ નવેમ્બરને બ્લેક ફ્રાઈડેએ પોલીસને ઓક્સફર્ડ સર્કસ સ્ટેશન પર ગોળીબારના અવાજ સંભળાયા હોવાનું જણાવતા ઘણાં કોલ મળ્યા હતા. જોકે, હથિયાર દ્વારા ગોળીબાર થયો હોવાના કોઈ પૂરાવા મળ્યા ન હતા. મેટ્રોપોલિટન પોલીસે બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ સાથે મળીને તે વિસ્તારમાં તાકીદે શોધખોળ હાથ ધરી હતી. જોકે, પોલીસને જાનહાનિ કે ગોળીબારના પૂરાવા અથવા કોઈપણ શકમંદ વ્યક્તિ મળી ન હતી.