લંડનઃ બુધવાર ૧૮ માર્ચે રજૂ થનારું બ્રિટનનું બજેટ બે આગામી ચૂંટણીઓ માટે ઘણું મહત્ત્વપૂર્ણ બની રહેશે. ચાન્સેલર જ્યોર્જ ઓસબોર્ને ખાત્રી આપી છે આ વર્ષના બજેટમાં કોઈ ચાલાકી કે કલ્પનાઓ કરવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પહેલાંનું આ બજેટ નેશનલ રીકવરી માટે માટેનું બની રહેશે. આપણા દેશના અન્ય વિસ્તારોને જોડવા માટે નોર્ધર્ન પાવરહાઉસના નિર્માણથી સાચી નેશનલ રીકવરી હાંસલ કરવા માટેનું આ બજેટ હશે જેમાં વિજ્ઞાન અને હાઈસ્પીડ ટ્રાન્સપોર્ટને ટેકો આપવા લાંબા સમયની યોજનાઓ મૂકવામાં આવશે.
ચાન્લેસર ચૂંટણી પહેલાં તેમના આખરી બજેટમાં પાંચ મિલિયન પેન્શનરો, મકાન માલિકો અને ઓછું વેતન મેળવનારા લોકોને ખુશ કરવા સંખ્યાબંધ યોજનાઓ જાહેર કરે તેવી શક્યતા છે. નજીવી કમાણી ધરાવતા લાખો લોકો માટે ટેક્સમાં રાહત પણ જાહેર થઈ શકે છે.
એમ કહેવાય છે કે ઓસબોર્ન પ્રવર્તમાન પેન્શનરોને તેમની એન્યુઇટીઝને ચોક્કસ બાંધી મુદતની રકમમાં ફેરવવા માટે એપ્રિલ ૨૦૧૬થી પેન્શન ચાર્જીસ વિસ્તારે એવી અપેક્ષા છે. ઓસબોર્ને જણાવ્યું છે કે જે લોકોએ આખી જીંદગી સખત કામ કર્યું છે અને બચતો જ કરી છે તેમનો વિશ્વાસ કરવાની આ બાબત છે. લોકો સ્પોર્ટસ કાર જેવી ખર્ચાળ આઈટમો પર તેમના નાણા ખર્ચે અને જ્યારે નાણા ખૂટી જાય ત્યારે વધુની માગણી કરતા પાછા આવે તેવું ચલાવવું યોગ્ય નથી.
બુધવારે ચાન્સેલર ઓસબોર્ન નીચે મુજબની જાહેરાત કરે તેવી અપેક્ષા છે
• સમગ્ર યુકેમાં ટેકનોલોજી કલસ્ટર્સના નિર્માણ માટે સહાયતા
• સેન્ટર ફોર પ્રોસેસ ઇનોવેશનના ભંડોળ સ્વરૂપે નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં કેમિકલ સેકટરમાં રોકાણ
• સમગ્ર યુકેમાં અલ્ટ્રા ફાસ્ટ બ્રોડબ્રેન્ડ સ્થાપવા માટેની યોજનાઓ
• પ્લીમથ અને બ્લેકપુલમાં બે નવા ‘એન્ટરપ્રાઇઝ ઝોન્સ’ની સ્થાપના
• બ્રાઉનફિલ્ડ સાઇટ પર નવા ૪૫૦૦૦ ઘર બનાવવાની યોજના