લંડનઃ સરકારી કર્મચારી દ્વારા સ્પેલિંગની એક ભૂલના કારણે ૧૩૪ વર્ષ જૂનો અને ૨૫૦ કર્મચારી ધરાવતો ફેમિલી બિઝનેસ બંધ થવાની ઘટનામાં કંપનીઝ હાઉસે બિઝનેસના માલિક ફિલિપ ડેવિસન-સેબ્રીને ૮.૮ મિલિયન પાઉન્ડ સુધીનું વળતર આપવું પડશે. ડેવિસન-સેબ્રીએ આટલી રકમના વળતરની માગણી કરી હતી.
વાસ્તવમાં ટેઈલર એન્ડ સન કંપની ફેબ્રુઆરી ૨૦૦૯માં બંધ થઈ હતી, પરંતુ કંપનીઝ હાઉસ દ્વારા કાર્ડિફસ્થિત ટેઈલર એન્ડ સન્સ કંપનીએ દેવાળુ ફૂંક્યાની નોંધ કંપનીઝ રજિસ્ટરમાં કરી હતી. એક ‘s’ની ફેરબદલના કારણે બિઝનેસ મુશ્કેલીમાં હોવાની અફવાઓ બજારમાં ફેલાતાં ૧૮૭૫માં સ્થાપિત ઈજનેરી બિઝનેસના તાતા સ્ટીલ સહિતના ગ્રાહકો અને ધીરાણકારોએ પીછેહઠ કરી હતી. ગ્રાહકોએ તેમના ઓર્ડર્સ રદ કર્યા હતા અને ક્રેડિટ સવલતો પાછી ખેંચાતા ૧૩૪ વર્ષ જૂની પેઢીને ધંધો ચલાવવો મુશ્કેલ થઈ પડ્યો હતો.
હાઈ કોર્ટના જસ્ટિસ એડિસે ચુકાદો આપ્યો હતો કે ટેઈલર એન્ડ સન્સ કંપની બંધ થવા માટે કંપનીઝ હાઉસ જવાબદાર છે અને તેણે વળતર તરીકે £૮.૮ મિલિયન સુધીનું વળતર બિઝનેસના માલિક માલિક ફિલિપ ડેવિસન-સેબ્રીને આપવું પડશે.