લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીએ સરસાઈમાં ભારે ઘટાડા સાથે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની વિટની સંસદીય બેઠક જાળવી રાખી છે. ટોરી પાર્ટીના ઉમેદવાર બેરિસ્ટર રોબર્ટ કોર્ટ્સે લિબરલ ડેમોક્રેટ હરીફ લિઝ લેફમેન પર વિજય મેળવ્યો હતો. પેટાચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટ પાર્ટી ગયા વર્ષના ચોથા સ્થાનેથી આગળ વધી બીજા સ્થાને રહી હતી, જ્યારે લેબર પાર્ટી છેક ચોથા સ્થાને ઉતરી હતી.
ઈયુ રેફરન્ડમમાં પરાજિત થયા પછી ડેવિડ કેમરને પહેલા વડા પ્રધાન અને બાદમાં સંસદસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે ગત સામાન્ય ચૂંટણીમાં ૩૫,૨૦૧ મત મેળવીને ૨૫,૦૦૦થી વધુ મતની સરસાઈ મેળવી હતી. પેટાચૂંટણીમાં રોબર્ટ કોર્ટ્સે ૧૭,૩૧૩ મત મેળવીને માત્ર ૫,૭૦૨ મતની સરસાઈ હાંસલ કરી હતી. લિબ ડેમ લિઝ લેફમેનને ૧૧,૬૧૧ મત મળ્યાં હતાં. ટીમ ફેરોનની પાર્ટીએ બ્રેક્ઝિટના અંદેશા વચ્ચે ટોરી પાર્ટી પાસેથી ૧૯.૩ ટકાનો સ્વિંગ મેળવ્યો હતો, જે બે દાયકામાં પેટાચૂંટણીઓમાં સૌથી વધુ છે.
અગાઉ, લેબર પાર્ટીએ બેટલી એન્ડ સ્પેન બેઠક સરળતાથી જાળવી રાખી હતી. લેબર ઉમેદવાર અને કોરોનેશન સ્ટ્રીટની પૂર્વ અભિનેત્રી ટ્રેસી બ્રાબિને ૮૬ ટકા મત મેળવ્યાં હતાં. ઈયુ રેફરન્ડમના થોડા દિવસ અગાઉ જ સંસદસભ્ય જો કોક્સની હત્યાના પગલે પેટાચૂંટણી યોજાઈ હતી. સન્માનના પ્રતીક તરીકે અન્ય મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા.