લંડનઃ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા દ્વારા હે માર્કેટનાં મિન્ટ લીફ રેસ્ટોરાંમાં આયોજિત રિસેપ્શનમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રૂપના કો-ચેરમેન શૈલેષ વારા MP અને રણજિતસિંહ બક્ષીએ કાર્યક્રમની યજમાની સંભાળી હતી. યુવાન પ્રોફેશનલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયેલા આ કાર્યક્રમમાં સાંસદો રિશિ સુનાક અને રોબર્ટ કોર્ટ્સે પણ સંબોધન કર્યું હતું. મિ. કોર્ટ્સના કિસ્સામાં તો પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની વિટની બેઠક પરથી તેઓ તાજેતરમાં જ ચૂંટાયા પછી આ તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ હતો. રિશિ સુનાકે વિદેશી અને બ્રિટિશ રાજકારણમાં લઘુમતીઓના પ્રવેશ વિશે જણાવ્યું હતું જ્યારે, રોબર્ટ કોર્ટ્સે પરિવારના મહત્ત્વ તેમજ બ્રિટન-ભારત વચ્ચેના બંધનની વાત કરી હતી. સાંસદ શૈલેષ વારાએ કન્ઝર્વેટિવ પાર્ટીને બ્રિટિશ ભારતીયોના વધતા સમર્થનની વાત કરી કોમ્યુનિટી સ્થાનિક કાઉન્સિલર, સ્કૂલ ગવર્નર્સ, મેજિસ્ટ્રેટ્સ તથા પાર્લામેન્ટમાં ઉમેદવારી સાથે જાહેર જીવનમાં વધુ સંકળાવું શા માટે મહત્ત્વનું છે તે પણ સમજાવ્યું હતું.રણજિતસિંહ બક્ષીએ યુકે અને ભારત વચ્ચેના સંબંધો, ખાસ કરીને મજબૂત અને સારા વેપારી સંબંધોની વાત કરી હતી. આ કાર્યક્રમમાં સાંસદો માઈકલ એલિસ, પોલ સ્કલી, અમાન્ડા મિલિંગ, માઈક વૂડ અને લોર્ડ ગઢિયા સહિત કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના ૧૦૦થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.