તાજેતરમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં વર્લ્ડ મસાલા એવોર્ડવિજેતા કવિઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે એશિયન વોઈસને યુએસના ઓસ્ટિનસ્થિત સન્માનિત કવયિત્રી ઉષા અકેલાનો વિશેષ ઈન્ટર્વ્યુ લેવાની તક સાંપડી હતી.તેઓ ૨૩ વર્ષથી યુએસમાં નિવાસ કરે છે.
૧. ઓસ્ટિન TX, માં ભારતીય કોમ્યુનિટી થોડું જણાવો.
હાઈ ટેક ઈન્ડસ્ટ્રી સાથે ઓસ્ટિન ઝડપથી વિકસતું નગર છે. દર વર્ષે ૧૫૦,૦૦૦ નવા લોકો અહીં કામ કરવા આવે છે અને ભારતીય કોમ્યુનિટી નગરની સાથોસાથ વિકાસ કરી રહી છે.
૨. એક કવિ તરીકે ભારતીય-અમેરિકન સંસ્કૃતિનું તમારું અર્થઘટન શું છે?
વિશાળ પ્રવાહ સાથે એક થવાની ઈચ્છા સાથે કોઈના ઈમિગ્રેશન સ્ટેટસને સાંકળવું જરા મુશ્કેલ સંતુલન છે. લોકો માતૃભૂમિ અને નવા દેશ સાથે એકરુપ થવા ઈચ્છે છે. તમારા મૂળ માટેની ઉત્કંઠા અને નવા સ્થળમાં મૂળિયાં નાખવાનો માનવ સ્વભાવ વચ્ચે સમતુલા મુશ્કેલ છે. લોકો બન્ને પ્રભાવ આત્મસાત કરી નવી મોટી ઓળખ સર્જવાનો પ્રયાસ કરતા રહે છે. ગાડાંના બન્ને પૈડાં એક જ દિશામાં પ્રયાણ કરતા રહે તેના પર જ અસ્તિત્વ કેન્દ્રિત થાય છે.
૩. તમારી અંગત ઓળખ કેવી છે?
યુએસમાં ૨૩ વર્ષ વીતાવ્યા પછી પણ હું પોતાને ભારતીય અને અમેરિકન તરીકે ઓળખાવું છું. મારી ભારતીય ઓળખે અમેરિકન જીવનશૈલીમાં એકાકાર થવામાં મદદ કરી છે. પ્રાચીન વિચાર ત્વચાના બાહ્ય રંગને ધ્યાનમાં લીધાં વિના મન, હૃદય અને આત્મા વિશે જણાવે છે. ભારતીયો આત્માની આશા અને ખોજને એક જ ગણાવે છે.
૪. તમારા પરિવારના મૂળ કૃષિ અને ટેકનોલોજી માટે જાણીતા આંધ્રમાં છે. સાહિત્યના વિશ્વમાં તમારો પ્રવેશ કેવી રીતે થયો?
હૈદરાબાદમાં મારો ઉછેર થયો ત્યારે તે આજની જેમ ટેકનોલોજી કેન્દ્ર ન હતું. કવિતાની વાત કરીએ તો કવિનું હૃદય અલગ હોય છે. તમે કવિતાને કારકીર્દિ તરીકે પસંદ કરી શકતાં નથી, તે ખુદ તમને શોધતી આવે છે. તમે કવિનું હૃદય ખરીદી શકો નહિ. આ તો ઈશ્વરી બક્ષિસ છે.
૫. સાહિત્યના અન્ય પ્રકારના બદલે કવિતા પર જ શા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું?
મારાં પરિવાર થકી જ મારાંમાં લેખનના જીન્સ ઉતર્યાં છે, આથી નાની વયથી જ મારે કવિતા લખવી જોઈએ તેની મને ખબર હતી. હું પાંચમા ધોરણમાં હતી ત્યારે જ મેં સૌપ્રથમ સ્કોટલેન્ડમાંથી ભાગી ગયેલા એક બાળક વિશેની વોલ્ટર સ્કોટની કવિતા વાંચી હતી. તેનાથી મને આત્મામાં ડોકિયું કરવા મળ્યું હતું. બિલી કોલિન્સે કહ્યું હતું કે કવિતા માનવ લાગણીઓની નોંધ છે. હું કેવી રીતે લાગણી અનુભવું છું તે વ્યક્ત કરવાની તક મને મળતી હોવાથી કવિતા મને સાહિત્યનું સૌથી માન્ય સ્વરુપ લાગે છે. ડેસકાર્ટેસના શબ્દોમાં કહીએ તો ‘મારી લાગણી ધબકે છે તેથી હું છું. (I feel, therefore I am)
૬. યુવાન ભારતીયોમાં તમને કેવાં અભિગમો જણાય છે? સાહિત્યમાં કારકીર્દિ તરફનું કોઈ વલણ છે?
અહીં યોગેશ (પટેલ)નું કાર્ય અભિનંદનીય છે. આપણે વિશ્વને અલગ રીતે નિહાળીએ છીએ છતાં અવાજ તરીકે કવિઓને એક કરતા મંચોનું સર્જન કેટલું મહત્ત્વનું છે તે હું ભારપૂર્વક જણાવી મારો આભાર વ્યક્ત કરું છું. કવિઓ આપણી લાગણીઓને વ્યક્ત કરવાની ઈચ્છામાં બંધાયેલા છે અને તેનું ભૌતિક અર્થમાં પ્રદર્શન કરે છે. આ અર્થમાં આવા ઈવેન્ટ્સ મહત્ત્વના છે. હૈદરાબાદમાં તેમના સાહિત્ય ફેસ્ટિવલમાં પણ મને આમંત્રણ અપાયું હતું. તેનાથી હું ભાવુક બનવા સાથે ભારતીય કવિતાના ભવિષ્ય અંગે આશાન્વિત પણ થઈ છું.
૭. સાહિત્યમાં તમારાં ભાવિ આયોજનો કયા છે. તમે કવિતાને વળગી રહેશો કે નવા પ્રોજેક્ટ્સમાં ખેડાણ કરશો?
ગયા વર્ષે મેં ઓસ્ટિનમાં ઉપખંડના કવિઓ માટે યુએસમાં પ્રથમ ફેસ્ટિવલ ‘મતવાલા’નો આરંભ કર્યો હતો. ડાયસ્પોરા લેખક તરીકે વિસ્થાપિત સમુદાયોને પોતાને અભિવ્યક્ત કરવાનો માર્ગ મળવો જોઈએ તેમ મને લાગ્યું હતું. મને આશા છે કે યુએસસ્થિત અન્ય કવિ આને આગામી વર્ષે ચાલુ રાખશે, કદાચ સ્થળ ન્યૂ યોર્ક હોઈ શકે છે, જ્યાં મારાં મિત્રો આ ઈવેન્ટ ચાલુ રાખવામાં રસ ધરાવી શકે છે. આ ઉપરાંત, ઓટમમાં કેમ્બ્રિજ ખાતે માસ્ટર્સ ઈન ક્રિએટિવ રાઈટિંગ આરંભ કરવાનું બહુમાન મને સાંપડ્યું છે. આ સાથે અનેક હસ્તપ્રતો પરના કાર્ય અને મારી પુત્રીના ઉછેરનું પણ કાર્ય ચાલુ રહેશે.
એશિયન વોઈસના પ્રતિનિધિ તરીકે મેં સમય આપવા બદલ તેમનો આભાર માનવા સાથે તેમના ભાવિ અંગે શુભકામના પણ વ્યક્ત કરી હતી.