લંડનઃ શૈક્ષણિક ટર્મ દરમિયાન હોલિડે બાદ વધારાની રજા રાખવા બદલ ૬૦ પાઉન્ડનો દંડ ભરવાનો ઈનકાર કરતી ૩૪ વર્ષીય માતા અગાતા કોઝ્લોવ્સ્કા સામે સરે કાઉન્ટી કાઉન્સિલ મોંઘા બેરિસ્ટરને રોકીને કાનૂની લડાઈ લડી રહી છે. ગયા વર્ષે ક્રિસમસ રજાઓમાં કોઝ્લોવ્સ્કા ૯ વર્ષના પુત્ર આરિયાન સાથે પોલેન્ડ ગઈ હતી અને થોડાક વધુ દિવસની રજા રાખી હતી, જે બદલ ૬૦ પાઉન્ડનો દંડ કરાયો હતો.
૧૦ વર્ષ અગાઉ પોલેન્ડથી આવેલી કોઝ્લોવ્સ્કાએ જણાવ્યું હતું કે લાંબી રજાથી ફાયદો થવાનું જણાવતી GPની નોંધ હોવા છતાં તેના પુત્રની પ્રાઈમરી સ્કૂલે વધારાની રજાઓ મંજૂર રાખવાનો ઈનકાર કર્યો હતો.
ટર્મ ટાઈમમાં પુત્રીને ડિઝની વર્લ્ડની મુલાકાતે લઈ જવા બદલ દંડ ભરવાનો ઈનકાર કરનારા બિઝનેસમેન જોન પ્લેટ કોઝ્લોવ્સ્કાને કેસમાં મદદ કરે છે. પ્લેટ ગયા મહિને હાઈકોર્ટમાં આ અંગેનો કેસ જીત્યા હતા. તેમની પુત્રીની સ્કૂલમાં નિયમિત હાજરી અને લેસન્સમાં ૯૦ ટકા હાજરી હોવાથી કેસ બનતો ન હોવાના મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો.
કોઝ્લોવ્સ્કાનો કેસ રેડહિલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલે છે. તેને ચિંતા છે કે કેસમાં તે હારશે તો ૧,૦૦૦ પાઉન્ડ સુધીના દંડ ઉપરાંત કાઉન્સિલના કાનૂની બિલના હજારો પાઉન્ડ ચૂકવવા પડશે. કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ઉપાય તરીકે આવું પગલું લઈએ છીએ.