લંડનઃ બીકન્સફીલ્ડ કોરોનર કોર્ટમાં વિચિત્ર કાર અકસ્માત સબબે હેરોના મિડલસેક્સ વિસ્તારના રહેવાસી અને મૂળ ગુજરાતી કંપની ડિરેક્ટર કૌશલ ગાંધીના મૃત્યુની ઈન્ક્વેસ્ટ સુનાવણી કરાઈ હતી. કૌશલ ગાંધીની સ્કોડા ઓક્ટાવિયા કાર ક્રુઝ કન્ટ્રોલ ખોટકાઈ જતાં સ્લાઉ નજીક M40 મોટરવે પર પાર્ક કરાયેલી ટ્રક સાથે અથડાઈ હતી અને તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માતની આઠ મિનિટ અગાઉ ગાંધીએ ૯૯૯ને ઈમર્જન્સી કોલ કરી મદદ માગી હતી. આ કોલ દરમિયાન જ અકસ્માત સર્જાયો હતો. સિનિયર કોરોનર ક્રિસ્પિન બટલરે જણાવ્યું હતું કે ઓક્સફર્ડમાં જ્હોન રેડક્લિફ હોસ્પિટલમાં પોર્ટ-મોર્ટમ તપાસમાં ગાંધીના લોહીમાં ડ્રાઈવિંગને અસર કરે તેવા કોઈ પદાર્થ મળ્યા ન હતા.
બીજી ફેબ્રુઆરીએ વહેલી સવારે ત્રણ વાગ્યે વિચિત્ર અકસ્માતમાં કૌશલ ગાંધીની સ્કોડા કાર મોટરવે પર પાર્ક કરાયેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત અગાઉ, ગાંધીએ સ્ટાર્ટ-સ્ટોપ બટન દબાવીને કારનું એન્જીન બંધ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે થેમ્સ વેલી પોલીસ કોલ હેન્ડલરને જણાવ્યું હતું કે, ‘તેણે બટન દબાવવાનું ચાલુ રાખ્યું પણ એ માત્ર અવાજ જ કરે છે, કારની ઝડપ વધી રહી છે. મેં કારનો મોડ બદલવાનો પ્રયાસ કર્યો હોવાથી કદાચ આમ થાય છે. હું સ્પોર્ટ્સ મોડમાં હતો અને નોર્મલ મોડમાં આવવા માટેનું બટન દબાવ્યું અને પછી કારની કન્ટ્રોલ સિસ્ટમ મને કંઈ કરવા દેતી નથી.’
સ્કોડા કારના નિર્માતા ફોક્સવેગન કંપનીના કાર સેફ્ટીના નિષ્ણાત માર્ટિન ક્લેટવર્થીએ જણાવ્યું કે, કારના અકસ્માતની પાંચ સેકન્ડ પહેલા તેની ઝડપ ૧૧૬mph હતી અને એક્સિલરેટર પેડલ સંપૂર્ણપણે દબાયેલું હતું અને બ્રેક મરાયાનો કોઈ રેકોર્ડ નથી. અકસ્માત અગાઉ કારની ઈલેક્ટ્રોનિક સિસ્ટમ કોઈ ખામી સર્જાયાનો પણ નિર્દેશ નથી.
પોલીસ કોલીઝન ઈન્વેસ્ટિગેટર એન્ડ્રયુ ઈવાન્સે કહ્યું હતું કે ગાંધીએ જે ખામીઓ દર્શાવી તેનો અર્થ એ થઈ શકે કે સ્કોડામાં એકસાથે મિકેનિકલ અને ઈલેક્ટ્રોનિક નિષ્ફળતા ઉભી થઈ હતી. તેમણે સમજાવ્યું હતું કે હેન્ડબ્રેકનો ઉપયોગ કરાયો હોત તો કારની રીઅર વ્હીલ્સ લોક થઈ જવાથી ગાંધીનો જીવ બચી શક્યો હોત.
ઘટનાના સાક્ષી રોબર્ટ હેગે ઈમરજન્સી સર્વિસ માટે ફોન કર્યો હતો. ટ્રક ડ્રાઈવર એમ્મા પેરોટે ઈન્ક્વેસ્ટમાં જણાવ્યુ કે,‘જોરદાર ટક્કરથી કાર ફેંકાઈ ગઈ હતી. મને તરત ભાન થયું કે વ્હાઈટ સ્કોડા ઓક્ટાવિયામાં કોઈના બચવાની સંભાવના નહોતી.’ કૌશલ ગાંધીના ફેમિલી ફ્રેન્ડ ગટીન્દર કૌરે જણાવ્યું કે, ‘કૌશલ અમારા પુત્ર જેવો, ગાઢ અને વિશ્વાસુ મિત્ર હતો.’