લંડનઃ બકિંગહામ પેલેસના બોલરુમમાં આયોજિત વિશેષ સમારંભમાં પ્રિન્સ હેરીની ઉપસ્થિતિમાં કોમનવેલ્થના વડા ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા ૬૦ વિજેતાને પ્રતિષ્ઠિત ધ ક્વીન્સ યંગ લીડર્સ એવોર્ડ્સ ફોર ૨૦૧૬ એનાયત કરાયા હતા. એવોર્ડ વિજેતાઓમાં બે ભારતીય- દિલ્હીના કાર્તિક સહાની (૨૧) અને હૈદરાબાદની નેહા સ્વૈન (૨૮)નો સમાવેશ થયો હતો.
દૃષ્ટિએ અક્ષમ કાર્તિક સહાની વૈશ્વિક શિક્ષણ સુવિધા વિશે ઉત્કટ ભાવના ધરાવે છે. જન્મથી દૃષ્ટિહીન હોવાં છતાં શાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયોમાં તે તેજસ્વી રહ્યો હતો. દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ પછી વિજ્ઞાન વિષયમાં આગળ વધવા દેવાતા નથી. જોકે, વિજ્ઞાનમાં ૧૨મા ધોરણની પરીક્ષામાં ૯૬ ટકા મેળવનાર ભારતના પ્રથમ દૃષ્ટિહીન વિદ્યાર્થીને ઈજનેરી કોલેજોમાં પ્રવેશની ભારે મુશ્કેલી નડી હતી. તેણે ૨૦૧૩માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે સ્કોલરશિપ મેળવી હતી. કાર્તિકે ભારતમાં સાયન્સ વર્કશોપ્સ અને વર્ચ્યુઅલ ટ્રેઈનિંગ સેશન્સ ઓફર કરતા Project STEMAccess ની સ્થાપના કરી હતી. તે હવે વિદ્યાર્થીઓને ટેક્સ્ટબુક્સ ઈચ્છિત ફોર્મેટમાં રૂપાંતર કરી શકે તેવી સુવિધા આપવા પોર્ટલ પર કામ કરી રહ્યો છે.
નેહા સ્વૈને પાંચ વર્ષ સુધી યુવા વર્ગના સહાયક તરીકે કામગીરી કર્યાં પછી ‘રુબરુ’ નામે NGOની સ્થાપનામાં અગ્ર ભૂમિકા ભજવી હતી. આ સંસ્થાનો હેતુ સામાજિક-આર્થિક પશ્ચાદભૂ ધ્યાનમાં લીધા વિના વર્કશોપ્સ તાલીમ દ્વારા નેતાગીરીનું કૌશલ્ય વિકસાવવામાં યુવા વર્ગને મદદ કરવાનો છે. જે શાળાઓને આવી તાલીમ આપવી પોસાતી ન હોય તેમને નિઃશુલ્ક વર્કશોપ્સની સહાય કરાય છે. તેમણે અત્યાર સુધી ૨,૦૦૦ યુવાનો માટે આ કાર્ય કર્યું છે.
કોમનવેલ્થના ૪૫ દેશોમાંથી વિજેતાઓ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા આવ્યા હતા. તેઓ એક સપ્તાહના નિવાસી કાર્યક્રમોમાં ભાગ લેશે. ડ્યુક ઓફ કેમ્બ્રિજ અને પ્રિન્સ હેરી દ્વારા ૨૦૧૪માં સ્થાપિત ધ ક્વીન્સ યંગ લીડર્સ એવોર્ડ્સના વિજેતાઓની પ્રથમ બેચ ૨૦૧૫માં યુકે આવી હતી. ૨૦૧૪થી ૨૦૧૮ સુધી દર વર્ષે અસાધારણ ૬૦ એવોર્ડવિજેતા ક્વીન્સ યંગ લીડર્સ તરીકે સન્માનિત કરાશે.