લંડનઃ કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના ૧૪ સપ્ટેમ્બરના શહીદદિનના સ્મારકની ઉજવણીરુપે બુધવાર ૯ સપ્ટેમ્બરે આયોજિત કોન્ફરન્સમાં ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમ અને હિન્દુ કાઉન્સિલ યુકે ઉપરાંત, વિવિધ હિન્દુ સંગઠનોના સભ્યો, સાંસદો, હિન્દુ સામાજિક અને રાજકીય કર્મશીલો, હિન્દુ પુજારીઓ અને ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી સુનીલ કુમાર સામેલ થયા હતા. હિન્દુ પૂજારી દ્વારા વિશેષ પ્રાર્થના અને સાંસદ માર્કસ જોન્સ દ્વારા સ્વાગત પછી ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમના પ્રમુખ કૃષ્ણા ભાને કોન્ફરન્સને ખુલ્લી જાહેર કરી હતી.
કૃષ્ણા ભાને જણાવ્યું હતું કે કાશ્મીરી પંડિત અને હિન્દુ સમુદાય પર આચરાયેલા દમનની યાદગીરીમાં ૧૯૮૯/૧૯૯૦થી દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૧૪ સપ્ટેમ્બર શહીદદિન તરીકે ઉજવાય છે. પોતાના જીવનનું બલિદાન આપનારા વીર સ્ત્રી-પુરુષો અને ભારતીય લશ્કરી સૈનિકોને આ દિવસે અંજલિ આપવામાં આવે છે. વિજય સાઝાવલે કાશ્મીર ખીણનો ૫૦૦૦ વર્ષનો ઈતિહાસ દોહરાવી કહ્યું હતું કે પાકિસ્તાને ૧૯૮૮માં મુજાહિદ્દીનોને છૂટો દોર આપ્યા પછી પાકિસ્તાની અને સ્થાનિક ઈસ્લામિક ધર્મઝનૂનીઓ દ્વારા લઘુમતી કાશ્મીરી પંડિત અને હિન્દુ સમુદાય પર અત્યાચાર ગુજારાયા પછી આશરે ૩૦૦,૦૦૦ લોકોના ૬૫,૦૦૦ પરિવારો નિર્વાસિત હાલતમાં આવી ગયા છે.
પૂર્વ કાઉન્સિલર અને રાજકીય કાર્યકર ચુની ચાવડાએ આર્ટિકલ ૩૭૦ની સમજ આપતા જણાવ્યું હતું કે આના કારણે એક જ દેશમાં બે દેશની પરિસ્થિતિ ઉદ્ભવી છે. વિભાજન સમયે આર્ટિકલની મુદત માત્ર પાંચ વર્ષની રખાઈ હતી તે હજુ પણ ચાલી રહી છે. મુસ્લિમ મતબેન્કના કારણે જ આમ કરાયાનો આક્ષેપ લગાવી તેમણે આર્ટિકલ ૩૭૦ને દૂર કરવાની હાકલ કરી હતી. કોન્ફરન્સમાં આર્ટિકલ ૩૭૦ને નાબૂદ કરવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો.