કિંગ્સબરીઃ હિન્દુ તહેવારો દિવાળી અને નવા વર્ષની ઉજવણી આતશબાજી સાથે ધામધૂમપૂર્વક કિંગ્સબરીના સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષના અન્નકૂટમાં ૧,૦૦૦થી વધુ સ્વાદિષ્ટ વાનગી ધરાવાઈ હતી. ઉજવણીના આખરી તબક્કામાં ૬ નવેમ્બર, રવિવારે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું છે.
ઉત્સવપૂર્ણ વીકએન્ડની સાંજનો આરંભ ભારતીય સંગીત, નૃત્ય તેમજ મનોરંજન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં બેગપાઈપ્સ અને ઢોલનગારાના અદ્ભૂત સંમિશ્રણનો પણ સમાવેશ થયો હતો. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ અને ઢોલ એકેડેમી ‘પૂર્વ અને પશ્ચિમના મિલન’ને સાકાર બનાવતા અભૂતપૂર્વ પરફોર્મન્સ થકી લોકોનાં મન મોહી લીધાં હતાં. મંદિરમાં સૌપ્રથમ વખત રોશનીના ઝગમગાટ અને ભવ્ય આતશબાજી સાથે સાંજનું સમાપન કરાયું હતું. સ્થાનિક લેન્ડમાર્ક મંદિરને આતશની રંગીન રોશનીએ ઝગમગાવી દેતાં લોકો મોઢામાં આંગળા નાખી ગયાં હતાં.
ઉજવણીઓમાં આશરે ૧૫,૦૦૦ લોકોએ પરંપરાગત ભારતીય મીઠાઈઓ, ભારતીય સ્ટ્રીટ ફૂડ, તેમજ સમગ્ર વિશ્વમાંથી તૈયાર કરાયેલી વાનગીઓના રસથાળનો સ્વાદ આશ્ચર્યચકિત થઈને માણ્યો હતો. ક્વીનની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી કરવાના રોયલ થીમના ભાગરુપે બકિંગહામ પેલેસની બિસ્કિટ પ્રતિકૃતિ, ટાવર બ્રિજનું ચોકલેટ શિલ્પ અને ગ્રેટ બ્રિટિશ બેક ઓફની સ્પર્ધામાં ઉભી રહે તેવી કેકમાં તૈયાર કરાયેલો ક્રાઉન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.
આખરી તબક્કાની ઉજવણીમાં ૬ નવેમ્બર, રવિવારે રક્તદાન શિબિરનું પણ વિશેષ આયોજન કરાયું છે. તમામ પશ્ચાદભૂના લોકો જીવનને બચાવવા નિઃસ્વાર્થપણે રક્તદાન કરશે. દિવાળી અને નવા વર્ષની ઉજવણીના આ વિશિષ્ઠ પાસાની પ્રેરણા મંદિરના વૈષ્વિક આધ્યાત્મિક ગુરુ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આપી છે. તેઓ ઉપદેશમાં કહે છે કે,‘અન્યોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેવું એ જ ઉત્સવની સાચી ઉજવણી છે.’ જો કોઈ રકતદાન કરવાની ઈચ્છા રાખતું હોય તો blood.co.ukની મુલાકાત લઈ સામેલ થઈ શકે છે.