લંડનઃ વેલ્સ અને યુકેમાં ઓર્ગન ડોનેશનના ક્ષેત્રે પાયાનું કાર્ય કરવા બદલ વેલ્સમાં ભારતના માનદ કોન્સલ રાજ અગ્રવાલ (૬૬)નું બહુમાન કરવામાં આવ્યું છે. કિડની વેલ્સ ફાઉન્ડેશનના ચેરમેન રાજ અગ્રવાલને વેલ્સ ઓનલાઈન એવોર્ડ એનાયત કરાયો છે. યુકેમાં ઓર્ગન ડોનેશન માટે ધારણાયુક્ત સંમતિનો સિદ્ધાંત દાખલ કરવાના તેમના અભિયાનના પરિણામે ગત મહિને જ આવો કાયદો તૈયાર થવાથી તેમના કાર્યને વિજય હાંસલ થયો છે.
આ મહત્ત્વપૂર્ણ opt-out નિયમના પરિણામે ઓર્ગન ડોનર્સના વેઈટિંગ લિસ્ટ્સ પર સકારાત્મક અસર પડશે અને જીવન બચાવવામાં ભારે મદદ મળશે. ફાર્માસિસ્ટ અને એન્ટ્રેપ્રીન્યોર અગ્રવાલે કહ્યું હતું કે,‘ આ ધારણા બહારનું જ છે પરંતુ એવોર્ડ મળવાથી સુખદ આશ્ચર્ય થયું છે. ઓર્ગન ડોનેશન માટે ‘soft opt-out’ કાયદો દાખલ થવાથી મને ખૂબ જ આનંદ થયો છે. હવે જે લોકોને તાકીદની જરૂર છે તેમને મોટા પ્રમાણમાં અંગો દાનમાં મળવાના શરૂ થઈ શકશે.’